ગુનો કર્યો હશે તો સજા આજે નહીં તો ચાર વર્ષે પણ મળશે, વર્ષ 2018ના કેસનો ચુકાદો 2022માં આવ્યો
વર્ષ 2018માં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે એક વ્યક્તિનું અપહરણ કરી બંધક બનાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને બાદમાં ચાણોદ નજીક મૃતકને સળગાવી દેવામાં આવ્યો હતો.
ઉદય રંજન, અમદાવાદઃ વાર ભલે લાગે પરંતુ ન્યાય જરૂર મળે છે. તેવી એક ઘટના સામે આવી છે. વર્ષ 2018માં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે એક વ્યક્તિનું અપહરણ કરી બંધક બનાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને બાદમાં ચાણોદ નજીક મૃતકને સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાબતનો ગુનો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ધોળકા એડીશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજની કોર્ટે કુલ ચાર આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.
વર્ષ 2018ની સાલમાં કેવી રીતે થઇ હતી હત્યા?
વર્ષ 2018ની સાલમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યા અને અપહરણ અને કાવતરું રચવા હેઠળનો ગુનો નોંધાયો હતો. સમગ્ર હકીકત એ મુજબની છે કે ભરતભાઈ મનુભાઈ મકવાણા નામના એક વ્યક્તિએ પરસોતમભાઈ ઉર્ફે પસાભાઈ પરમાર પાસેથી ઉછીના 10 લાખ ૩૦ હજાર લીધા હતા. અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાંય ભરતભાઈ મકવાણા કોઈ કારણોસર રૂપિયા આપી શકતા નહોતા. જેથી આ કેસના મુખ્ય આરોપીએ પરસોતમ ભાઈ પરમારે અને અન્ય 06 આરોપીઓ એમ કુલ મળીને સાત આરોપીઓએ ભેગા મળીને ભરતભાઈ મકવાણાનું વટામણ ચોકડી પાસેથી અપહરણ કરી લીધું હતું અને અપહરણ કર્યા બાદ જુવાળ રૂપાવટી ગામમાં એક ઘરમાં લઈને જઈને પૂરી દીધા હતા.
આ પણ વાંચોઃ કૂવામાં રોટલી નાંખવાની અનોખી પરંપરા, ઈશાન દિશામાં ગયેલી રોટલી કેવો વરસાદ લાવશે તેની આગાહી થઈ
ત્યાં આગળ ભરતભાઈને ધમકાવવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં પણ પૈસા નહી આપતા ગળે ટુપો દઈને ભરતભાઈ મકવાણાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ ભરત મકવાણાની લાશને ગાડીના નાખીને ચાણોદ લઇ જવા આવી હતી અને લાશને સળગાવી દેવામાં આવી હતી. જેથી કરીને પૂરવાનો નાશ કરી શકાય અને પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે નહિ. ઉલ્લેખનીય છે કે આ મામલે ધોળકા પોલીસે શરૂઆતમાં કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધીને સાતેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
ચાર વર્ષ બાદ શું આવ્યો ન્યાય પાલિકાનો ચુકાદો
ધોળકા એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજની કોર્ટ સમગ્ર બનાવની ગંભીર નોંધ લેતા આ કેસમાં સંડોવાયેલા સાત આરોપીઓમાંથી ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં નામદાર કોર્ટે કુલ ૩૭ જેટલા સાક્ષીઓની તપાસ કરી હતી અને 14 જેટલા દસ્તાવેજી પુરવાઓ ધ્યાને લીધા હતા. મૃદાલા બેન પરમાર અને ભરતભાઈ પરમારને પુરાવાના અભાવે કોર્ટે છોડી મુક્યા હતા. જ્યારે કોર્ટે જીતેન્દ્ર ઉર્ફે પરમાર, કૌશિક ઉર્ફે કનુભાઈ પરમાર, વિક્રમભાઈ પરમાર તથા નિલેશ ઉર્ફે ચકો પરમારને આજીવન કેસની સજા ફટકારી છે અને રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube