ફરી રોજની 400 સિગારેટ પીવા મજબૂર બની મહિલાઓ, મોંઘવારીએ માઝા મૂકી તો હવે ચુલો જ સળગાવવો પડશે
રાજકોટ જીલ્લાના ધોરાજીમા ગેસના બાટલાના તોતીંગ ભાવ વધારાથી ગૃહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયુ. ધોરાજીની મહિલાઓએ અનોખી રીતે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો
દિનેશ ચંદ્રવાડિયા/ઉપલેટા :પાંચ વર્ષ પહેલા પીએમ મોદી ચૂંટણી પ્રચારમા ગરીબ પરિવારોને ગેસ કનેક્ટિવિટી આપવાને લઈને પ્રચાર કરતા હતા. તેઓ જનસભામાં કહેતા હતા કે, મહિલાઓ દિવસમાં 400 સિગારેટ પી જાય છે. અહીં ધુમ્રપાન કરનારી હાઇ પ્રોફાઇલ મહિલાઓની વાત નથી. પરંતુ લાકડા અને કોલસાથી રસોઇ બનાવનાર મહિલાઓની વાત છે. લાકડાથી રસોઇ બનાવતી વખતે મહિલાઓ દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો પોતાના શરીરમાં ઉતારે છે. બજેટમાં અમે ગરીબ પરિવારોને ગેસ કનેકશન આપવાનું બીડુ ઉપાડ્યું છે. કામ ઘણું કઠીન છે. પરંતુ પાંચ કરોડ પરિવારોના લોકોને આનો ફાયદો થશે અને આગામી ત્રણ વર્ષમાં આ કામ પૂર્ણ કરાશે. તેઓ ગરીબ મહિલાઓને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવાની અને અચ્છે દિન લાવવાની વાત કરતા હતા. પરંતુ પાંચ વર્ષમાં સમયનુ ચક્ર એવુ પલટાયુ છે કે, ગરીબ મહિલાઓને ફરીથી ચુલા રૂપી સિગારેટ પીવાની ફરજ પડી રહી છે. મોંઘવારીએ એવી માઝા મૂકી છે, મધ્યમ વર્ગીય લોકોને પણ ગેસનો બોટલ પોસાય તેમ નથી. ત્યારે હવે ભારતીય મહિલાઓને ફરીથી ચુલા પર ભોજન બનાવવુ પડશે. ત્યારે ધોરાજીની મહિલાઓએ સરકાર સામે પોતાની વ્યથા ઠાલવીને ચુલા પર ભોજન બનાવીને વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો : ગ્રીષ્માની જેમ જ થઈ વડોદરાની તૃષા સોલંકીની હત્યા, ફેનિલની જેમ કલ્પેશે ધારિયાથી રહેંસી
દેશમા દિન પ્રતિદિન મોંઘવારીનુ પ્રમાણ વધતુ જાય છે અને તમામ ચીજ વસ્તુઓના ભાવોમા ઉતરોત્તર વધારો થઈ રહયો છે. ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ભાવો આસમાને ચડી ગયા છે. મોંઘવારીએ પણ માજા મૂકી છે, ગરીબ અને મધ્યમ પરીવારની કમર તુટી ગઈ છે. છેલ્લા બે વર્ષ કોરોના મહામારીએ લોકોની કમર તોડી નાંખી છે. એક તરફ, ધંધો, વેપાર, રોજગારમાં ભારે અસર પડી. કોરોના કાળમા ગરીબ પરીવાર અને મધ્યમ પરીવાર પોતાના અને પોતાના સ્વજનોના આરોગ્યને લઈને ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. કોરોનાની હાલ ત્રીજી લહેરમા વાંધો ન આવ્યો. ધંધો, વેપાર, રોજગારમાં લોકોની ગાડી માંડ પાટે ચડી અને જનતાએ રાહતનો શ્વાસ લીધો ત્યા મોંઘવારીની મોટી આફત આવીને ઉભી છે. દિવસેને દિવસે વધતી મોંઘવારીએ ફરી સામાન્ય ગરીબ વર્ગના પરિવારમા ચિંતા વધારી છે. ખાદ્ય, તેલ, અન્ય ચીજવસ્તુઓ તથા ઘર વપરાશમા આવતા ગેસમા કમરતોડ ભાવ વધારો આવતા ગરીબ પરિવારોનું બજેટ ડામાડોળ થઈ ગયુ છે.
ઘર વપરાશના ગેસના બાટલામા વધારો થતા ધોરાજીની કૈલાશ નગરમા રહેતી મહિલાઓએ સરકાર સામે પોતાની વ્યથા ઠાલવી. સરકાર એક સમયે યોજનાઓ મફતમા ગેસના બાટલા આપ્યા બાદ લોકોએ દેશી ચુલા બંધ કર્યા અને ગેસના બાટલાનો ઉપયોગ કરવા માંડ્યા. મહિલાઓએ દેશી ચુલા પર રસોઈ બનાવીને વિરોધ દર્શાવ્યો હતો.
અનોખી રીતે કરાયેલા આ વિરોધ વિશે સ્થાનિક સેજલબેન જુમટીયાએ જણાવ્યુ કે, દિન પ્રતિદિન ભાવોમા ઉતરોત્તર વધારો થયો અને રસોઈ પણ મોંઘીદાટ થતી ગઈ. ત્યારે મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. જેથી એક દિવસમા 50 રૂપિયાનો વધારો ઝીંકી દેતા સામાન્ય માણસોની ઉંઘ ખરાબ થઈ ગઈ છે. ગેસના બાટલાના ભાવમાં જો ભાવમાં વધારો આવે તો પણ ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ કે રાંધણગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો થતા ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સામાન્ય આવકમાં ગૃહિણીઓ ઘર કેમ ચલાવી શકે?
આમ, ધોરાજીની સ્થાનીક મહિલાઓએ ગેસના બદલે દેશી ચુલ્લા પર રસોઈ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.