સુરત: ડાયમંડ નગરી સુરત શહેર હવે ગુનાખોરી નગરી તરીકે પણ ઓળખ ધરાવી રહી છે. છેલ્લા 48 કલાકમાં સુરતમાં ત્રણ જેટલી હત્યાઓને અંજામ આપવામાં આવી છે. આ ઘટનાને પગલે ઉપરી અધિકારી અને પોલીસની ટીમ દોડતી થઈ છે. એક પછી એક હત્યાએ પોલીસની ઉંઘ હરામ કરી નાખી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના નંબર 1
સુરતના રુદરપુરા વિસ્તારમાં બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં એક ભાઈનું મોત થયું છે. ગત રોજ વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન રૂદરપુરા પોલીસલાઈન પાસે દાતાર ગેરેજની બાજુમાં જાહેર રોડ પર બે સગા ભાઈ પર જીવલેણ હુમલો કરાયો હતો. માવિયા મોહમ્મદ હબીબ કચ્છી અને તેના ભાઈ યામીન કચ્છી પર ત્રણ જેટલા યુવકો આવીને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. ઇમરાન મુલ્લા, સાહિલ મુલ્લા અને હબીબ ઈસ્માઈલ શેખ દ્વારા જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન બે ભાઈમાંથી યામીન મોહમ્મદ હબીબ કચ્છીનું મોત નીપજ્યું છે.


ઘટના નંબર 2
હીરાના કારખાનામાં મજુરી કામ કરી રહેલ ગુડ્ડુરામ બહાદુરરામની અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. ગુડુરામ મોડી રાત્રે અંદાજે સાડાબાર વાગ્યાની આસપાસ કારખાનામાંથી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તેની પર જીવલેણ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પંડોળમાં રત્નકલાકાર યુવકની હત્યા થઈ હોવાની જાણ ચોક બજાર પોલીસને થતા જ પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મરનાર યુવક ગુડુરામ બહાદુર રામના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી ઘટના અંગેની તપાસમાં જોડાઈ ગયા હતા. 


બાદમાં વિગત જાણવા મળી હતી કે ગુડ્ડુ રામ બિહારના દરભંગાનો રહેવાસી છે. તે છેલ્લા ઘણા સમયથી કામકાજના અર્થે સુરત આવ્યો હતો. સુરતમાં હીરાના કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને હોટલોમાં પણ છૂટક કામ કરતો હતો. યુવકના શરીર પર ચપ્પુના હુમલાના ઘા જણાય આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો તો નોંધ્યો છે પરંતુ હત્યા કયા કારણોસર થઈ અને કોણે કરી તે જાણી શકાયું નથી. જેને લઇ પોલીસ ઘટનાને અંજામ આપનાર હત્યારા સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.


ઘટના નંબર 3
સુરતના લાલ ગેટ વિસ્તારની. જ્યાં લીમડા ચોક વિસ્તારમાં મોડી રાતે અરવિદ નામનો યુવાન બેગ લઈને ફૂટપાથ ઉપર સુઈ રહ્યો હતો. દરમિયાન ત્રણ જેટલા ઈસમો આ યુવાન પાસે આવ્યા હતા અને તેને જમવાનુ આપ્યું હતું. જો કે જમવા બાબતે અરવિદ અને અન્ય યુવાન વરચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં જોત જોતામાં અરવિદ કોળી પટેલે રસ્તા પર પડેલું લાકડું હાથમાં ઊંચક્યું હતું. અને લાકડા વડે અન્ય યુવાનના માથામાં હુમલો કર્યો હતો. ત્રણ ત્રણ વાર લાકડા વડે હુમલો કરતા આખરે લાકડું પણ તૂટી ગયું હતું અને યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી છુટ્યો હતો. 


આ ઘટનાની જાણ થતા જ લાલ ગેટ પોલીસ તેમજ ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ફૂટેજ અને બાદમીના આધારે આ હથિયારાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.


જુઓ આ પણ વીડિયો:-