બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે આપ્યું રાજીનામું, ભાજપની સામે પડીને લડ્યા હતા ચૂંટણી
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રહેલા દિનુ મામાએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
વડોદરાઃ બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે રાજીનામુ આપી દીધુ છે. દીનુ મામા તરીકે ઓળખાતા દિનેશ પટેલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામુ આપ્યું છે. દિનેશ પટેલે કહ્યું કે, મેં સ્વેચ્છાએ અને રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે દિનેશ પટેલે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે દિનુમામાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે પોતાનું રાજીનામુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મોકલી આપ્યું છે. હવે આગામી સમયમાં બોર્ડના મેમ્બર્સ તેમના રાજીનામાનો સ્વીકાર કરશે કે નહીં તે જોવાનું રહેશે. દિનેશ પટેલે આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન સાથ સહકાર આપનાર લોકોનો આભાર પણ માન્યો હતો. દિનેશ પટેલે જ્યારે પાદરા વિધાનસભા સીટ પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ત્યારે પણ રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચોઃ ભાઈએ અમેરિકાથી આવીને પૂરી કરી બહેનની અંતિમ ઈચ્છા, સિવિલમાં આપ્યું લાખોનું દાન
પાદરા સીટ પરથી લડ્યા હતા ચૂંટણી
વિધાનસભાની ચૂંટણીમાં દિનુ મામાએ પાદરા સીટ પરથી ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપે પાદરા સીટ પરથી ચૈતન્ય સિંહ ઝાલાને ટિકિટ આપી હતી. ત્યારબાદ 18 નવેમ્બરે દિનેશ પટેલે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ પાદરા સીટ પરથી દિનેશ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ભાજપને પડકાર ફેંક્યો હતો. પરંતુ ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે દિનુ મામાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube