2024 લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપમાં ભરતી મેળો શરૂ! કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા BJPમાં જોડાશે
ડીસા ખાતે શક્તિ પ્રદર્શન કરી કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ગોવાભાઇ રબારી બીજેપીમાં જોડાશે. ગોવાભાઇ રબારી સીઆર પાટીલના હસ્તે કેસરિયો કેસ ધારણ કરીને બીજેપીમાં જોડાશે. 19 તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
સપના શર્મા/અમદાવાદ: 2024 લોકસભા ચૂંટણીને લઈ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડીસા કોંગ્રેસના નેતા ગોવાભાઇ રબારી ભાજપમાં જોડાશે. જી હાં... ડીસા ખાતે શક્તિ પ્રદર્શન કરી કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ગોવાભાઇ રબારી બીજેપીમાં જોડાશે. ગોવાભાઇ રબારી સીઆર પાટીલના હસ્તે કેસરિયો કેસ ધારણ કરીને બીજેપીમાં જોડાશે. 19 તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવી માહિતી મળી રહી છે.
જોકે, હાલ ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ કંઈક જુદી જ છે. રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠામાંથી કોંગ્રેસ માટે વધુ એક ઝટકો આપતા સમાચાર સામે આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના ડિસાના પૂર્વ ધારાસભ્ય 19 તારીખે ભાજપમાં જોડાવવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સાથે અગાઉ બેઠક યોજી હતી અને હવે તેમના કાર્યક્રમની તારીખ પણ સામે આવી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ડિસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ભાજપમાં જોડાવવાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. ગોવાભાઈ દેસાઈ છેલ્લાં 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને તેઓ ભાજપમાં જોડાયા બાદ બનાસકાંઠામાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવા ઘાટ જોવા મળશે.
ગોવાભાઈ રબારીનો રાજકીય ઈતિહાસ
ગોવાભાઈ દેસાઈ કોંગ્રેસના એક સિનિયર નેતા છે. તેઓ સાત વખત કોંગ્રેસ માંથી ધારાસભ્યની ચૂંટણી લડેલાં છે. તેઓ ધાનેરામાં 1995માં કોંગ્રેસ માંથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ગોવાભાઈ ડીસામાં બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીની હાર થઈ હતી.
ગોવાભાઈ રબારી વિશે
ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. અગાઉ એવી ચર્ચા ચાલી હતી કે ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાર પાડ્યો છે. થરાદના ધારાસભ્ય અને અધ્યક્ષ શંકર ચૌધરી, અને મંત્રી બળવંતસિંહ રાજપુતે ખેલ પાર પાડ્યો હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત કોંગ્રેસ પાસે હવે સમ ખાવા પુરતી જ સીટો વધી છે. ત્યારે આવી સ્થિતિમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગુજરાતમાં રકાસ થઈ જાય તો નવાઈ નહીં. આ પરિસ્થિતિથી બચવા માટે કોંગ્રેસે પોતાની રહી સહી બેઠકો જાળવીને લોકસભામાં ગુજરાતમાં સારો દેખાવ કરવો પડશે.