વડોદરા : શહેરમાં અસામાજીક તત્વોને હવે પોલીસની બીક જ ન હોય તે પ્રકારે બેખોફ બની ચુક્યાં છે. હવે તેઓ પોલીસને પણ ગાંઠતા નથી. મુખ્યમંત્રીના આગમન સમયે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મી પર કારમાં બેઠેલા ભાઇઓએ હૂમલો કર્યો હતો. ગત મોડી સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા. જેના પગલે તેમના બંદોબસ્તમાં પોલીસ ખડકલો કરી દેવાયો હતો. બંદોબસ્તમાં ફતેગંજ ખાતે ઉભેલા એક પોલીસકર્મીને કારમાં બેઠેલા બે ભાઇઓએ ઘાતક હૂમલો કરતા ફરિયાદ દાખલ કરાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઇકાલે વડોદરાના ધારાસભ્ય સીમા મોહિલેની દીકરીના લગ્ન હોવાથી તેમાં સામેલ થવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના મહેમાન બન્યા હતા. મુખ્યમંત્રી આવવાના હોવાથી સાંજે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેથી ફતેગંજ અંજલી મોમોરિયલ હોસ્પિટલ પાસે નીતિનભાઇ અરવિંદભાઇ નામના પોલીસકર્મચારી ફરજ પર હતો. દરમિયાન કાર નંબર GJ-27-EA-7799 કાર રોડ પર ઉભી હતી. જેથી પોલીસકર્મચારીએ નીતિનભાઇએ કાર ચાલકને પાર્કિંગની જગ્યામાં કાર પાર્ક કરવા જણાવ્યું હતું.


જો કે કારમાં બેઠેલા બે ભાઇઓ શિવમસિંહ હરદેવસિંહ અને રોહિતસિંહ હરદેવસિંહ (રહે. રાધે બંગ્લોઝ, ખાખરા સર્કલ, મણીનગર, અમદાવાદ, મૂળ રહે. વાધ અરબ પોસ્ટ, જૌનુપુર) ઉશ્કેરાઇ ગયા હતા. પોલીસકર્મીને કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લે અમારી ગાડી અહીંથી હટશે નહીં. બંને ભાઇએ પોલીસકર્મીને અપશબ્દો કહ્યા હતા તેમજ ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. હાથે અને ચહેરાના ભાગે ઇજાઓ થઇ હતી. ઝઘડાને પગલે અન્ય પોલીસકર્મી પણ દોડી આવ્યા હતા. બંને આરોપીઓને ઝડપી લીધા હતાં.