સુરત એસટી વિભાગે દિવાળીમાં સ્પેશિયલ બસ દોડાવી અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક કમાણી કરી
પાંચથી 6 દિવસમાં સુરતથી સૌરાષ્ટ્ર, મહેસાણા દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ 1421 બસ દોડાવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. એસટી વિભાગે તહેવારોમાં કુલ 551589 કિલોમીટરની સફર પુરી કરી છે. આ વર્ષે ખરા અર્થમાં એસટીની દિવાળી ફળી છે.
ચેતન પટેલ/ સુરત: એસટી વિભાગને આ વર્ષે દિવાળી ફળી છે. સુરત એસટીએ આ દિવાળીના પર્વે બસ દોડાવવાના પાછલા તમામ વર્ષના રેકર્ડ તોડી નાંખ્યા છે. પાંચથી 6 દિવસમાં સુરતથી સૌરાષ્ટ્ર, મહેસાણા દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ 1421 બસ દોડાવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. એસટી વિભાગે તહેવારોમાં કુલ 551589 કિલોમીટરની સફર પુરી કરી છે. આ વર્ષે ખરા અર્થમાં એસટીની દિવાળી ફળી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરત એસટી વિભાગને દિવાળી ફળતાં રૂપિયા 2 કરોડ 14 લાખની આવક થઈ છે. કરોડોની આવક માત્ર 4 દિવસમાં રળી છે. અત્યાર સુધી કુલ 1421 બસો દોડાવવામાં આવી છે, જેના કારણે કુલ 551589 કિલોમીટરની સફર એસટી બસોએ પુરી કરી છે.
એટલું જ નહીં, ધનતેરશના દિવસે તો સૌરાષ્ટ્ર, મહેસાણા, દોહાદ અને ગોધરા તરફ 620 બસ દોડાવી નવો રેકર્ડ બનાવ્યો હતો. ખાનગી બસના સંચાલકો દિવાળીના તહેવાર તાણે બેફામ લૂંટ ચલાવે છે, અને યાત્રીઓ પાસેથી બમણું ભાડું વસૂલે છે. પરંતુ સરકાર દ્વારા છેલ્લાં બે-ત્રણ વર્ષથી દાહોદ, ગોધરા, પંચમહાલની સાથે સાથે સૌરાષ્ટ્ર, મહેસાણા તરફ પણ સ્પેશિયલ બસ દોડાવવામાં આવી રહી છે. જેને કારણે સુરત એસટીને સારો પ્રતિસાદ મળ્યો છે.
દિવાળીના દિવસોમાં એસટી બસ મારફતે આશરે 85 હજાર લોકો વતન ગયા
સુરત એસટીએ રોજિંદા ભાડું કરતા માત્ર 0.25 ટકા વધુ એટલે કે 1 રૂપિયાને બદલે 1.25 રૂપિયા ભાડું વસૂલતા બસ બુકિંગ માટે રાફડો ફાટ્યો હતો. આ વર્ષે લોકોએ સરકારી બસ પર પસંદગી ઉતારી છે. અગિયારસથી સ્પેશિયલ બસ દોડાવવાનું શરૂ કરાયું છે દરમિયાન અત્યાર સુધીમાં 1370 બસ ઉપડી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube