છોટાઉદેપુરઃ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, દર્દીના સગાએ વીડિયો કર્યો વાયરલ
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ આરોગ્ય વિભાગ પર સવાલો ઉઠી રહ્યાં છે.
છોટાઉદેપુરઃ ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર છે. રાજ્યમાં દારૂ મળી રહ્યો છે અને દારૂ પીધેલા પણ મળી રહ્યાં છે. પરંતુ છોટાઉદેપુરના ક્વાંટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.
નશાની હાલતમાં ડોક્ટર
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે એક વ્યક્તિ પોતાના સંબંધીને લઈ સારવાર માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં ફરજ પરના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અનિલ જાદવનું વર્તન શંકાસ્પદ લાગ્યું હતું. ડોક્ટરે દર્દીને વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં. આ અંગે દર્દીના સગાને શંકા ગઈ કે ડોક્ટર નશાની હાલતમાં છે. ત્યારબાદ ડોક્ટરનું વર્તન જોઈને યુવકે તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
વીડિયોમાં ડોક્ટરનું વર્તન શંકાસ્પદ
સામૂહિક આરોગ્ય કેન્દ્રના વાયરલ વીડિયોમાં ડોક્ટર નશાની હાલતમાં હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યો છે. આ વીડિયો ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહેલા સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અનિલ જાદવનો છે. વીડિયોમાં ડોક્ટરનું વર્તન અલગ લાગી રહ્યું છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને આરોગ્ય વિભાગ પર સવાલો ઉઠાવી રહ્યો છે.
વીડિયો વાયરલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે નર્સને પૂછ્યું કે ડોક્ટર આવશે કે નહીં. ત્યારબાદ નર્સે ફોન કર્યો તો ડોક્ટર 10 મિનિટ પછી આવ્યા હતા. આ વ્યક્તિએ કહ્યું કે ડોક્ટર આવ્યા તો તેમને રિપોર્ટ ચેક કરવાનું કહ્યું હતું. ડોક્ટરે જવાબ આપ્યો કે આજે રવિવારની રજા છે રિપોર્ટ ચેક થશે નહીં.