ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યભરમાં સતત વધી રહ્યો છે રખડતા શ્વાનનો આતંક. અમદાવાદ હોય કે સુરત, વડોદરા હોય કે રાજકોટ ગુજરાતના દરેક જિલ્લાઓમાં શહેરોમાં રખડતાં શ્વાને લોકોના નાકમાં દમ કરી નાંખ્યો છે. ત્યારે ભાવનગરમાં તો આ આતંક એટલી હદે વકર્યો કે એક મહિલાનો જીવ લઈ લીધો. ભાવનગરના દેપલા ગામે હડકાયા શ્વાને મહિલાનો લીધો ભોગ. આ ઘટનાને પગલે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાને કારણે લોકો હવે ઘરે બહાર નીકળતા ડરે છે. કારણકે, રખડતા શ્વાન અચાનક લોકો પર હુમલો કરે છે અને બચકાં ભરે છે. દેપલા ગામે હડકાયા શ્વાને મહિલાને બચકાં ભરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 32 વર્ષીય પુનમબેન ગીડને રખડતા શ્વાને બચકા ભરતા તેની સ્થિતિ ગંભીર બની હતી. શ્વાન કરડ્યા બાદ આ મહિલાને બે દિવસ પહેલાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જોકે, મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મૃત્યુ નીપજ્યું છે. શ્વાનનો આતંક દૂર કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.


બીજી તરફ નવસારી જિલ્લામાં પણ રખડતા શ્વાનથી લોકો પરેશાન હોવાનો કિસ્સો સામે આવ્યો. નવસારીના બીલીમોરામાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જેમાં બીલીમોરાના માછીવાડામાં હડકાયા શ્વાને બાળક સહિત 8 લોકોને બચકાં ભરતા લોકમાં ભયનો માહોલ સર્જાયો છે. થોડા દિવસ પહેલા નવસારીમાં એક બાળકને બચકા ભર્યા બાદ જલાલપોરના એરૂ ચાર રસ્તા પાસે એક આધેડ પર 5થી 6 રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. જેના કારણે વૃદ્ધને આંખ અને કપાળમાં 8 ટાંકા લેવા પડ્યા હતા. બીલીમોરા શહેરના માછીવાડ, ધોબી તળાવ, વાઘરેચ સહિતના વિસ્તારોમાં રખડતા શ્વાનોની સંખ્યામાં વધારો થયો છે. રખડતાં શ્વાનને કંટ્રોલમાં લેવા પાલિકા લાખો રૂપિયા તો ફાળવે છે પરંતુ કોઈ કામગીરી થતી નથી. ત્યારે રખડતાં શ્વાનનું ખસીકરણ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે. 


આટલું ઓછું હોય ત્યાં રાજકોટમાં આખલાનો આતંક સામે આવ્યો.  રાજકોટના જેતપુરમાં રખડતાં ઢોરના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. જેતપુરના સુદામાનગર વિસ્તારમાં આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યાં. આખલા યુદ્ધથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.