અમેરિકામાં ભણતા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓને બખ્ખાં, આ વાત કરીને ટ્રમ્પે મોજ કરાવી દીધી!

Donald Trump on Green Card: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતીયોનું દિલ ખુશ થઈ જાય તેવી એક વાત કહી દીધી છે કે તેઓ જો સત્તામાં આવશે તો ભારતીય વિદ્યાર્થીઓને મોજ કરાવી દેશે.
Donald Trump Green Card Statement: અત્યાર સુધી બીજા દેશોમાંથી આવનાર લોકો પર કડક વલણ રાખનાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શું હવે નજરિયો બદલાઈ ગયો છે કે ચૂંટણી ટાણે ભારતીયોને આકર્ષવા માટેનો આ એક પ્રયાસ છે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવી દીધું હતું કે તેઓ અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપશે. જી હા...ઇમિગ્રેશન અંગેના તેમના અગાઉના વલણથી આ સંપૂર્ણપણે અલગ હતું.
'અમેરિકી કોલેજથી ગ્રેજ્યુએટને મળવું જોઈએ ગ્રીન કાર્ડ'
ટ્રમ્પે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, હું તમારી વાતથી સહમત છું, એટલા માટે હું વચન આપું છું. જો તમે અમેરિકી કોલેજમાંથી ગ્રેજ્યુએટ કરો છો તો તમને આ દેશમાં રહેવાની અને કામ કરવા માટે ગ્રીન કાર્ડ મળવું જોઈએ. તેમાં જૂનિયર કોલેજ પણ સામેલ છે.
જોકે, તેમના નિવેદનથી એ સ્પષ્ટ થઈ રહ્યું નથી કે શું ટ્રમ્પનો મતલબ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા તમામ વિદેશીઓથી હતો કે પછી એવા લોકો જે વિઝા પુરા થયા બાદ પણ રોકાયેલા હતા કે સ્ટૂડન્ટ વિઝા પર યૂએસમાં આવેલા વિદ્યાર્થીઓ હતા. આ નિવેદન પર વિવાદ થતો જોતા ટ્રમ્પના પ્રચાર સાથે જોડાયેલા રણનીતિકારોએ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે કડક સ્ક્રીનિંગ પ્રક્રિયા પછી જ સૌથી વધુ કુશળ સ્નાતકો, જેઓ અમેરિકાને આગળ લઈ જવામાં મહત્વનું યોગદાન આપી શકે છે, તેમને જ ગ્રીન કાર્ડ આપવામાં આવશે.
શું ભારત માટે ફાયદાકારક રહેશે ટ્રમ્પ?
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનને ભારત માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. તેમણે પોડકાસ્ટમાં ક્યાંય પણ ભારતીય વિદ્યાર્થીઓ શબ્દનો ઉપયોગ કર્યો નથી, પરંતુ જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી તેમના વચન પર કાયમ રહેશે તો તેનો સૌથી વધુ ફાયદો ભારતીય વિદ્યાર્થીઓને થશે. જી હા..તેનું કારણ એ છે કે અમેરિકન કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે અને તેઓ ટેકનિકલ ક્ષેત્રે મોખરે છે. તેમણે અમેરિકાના આઈટી સેક્ટરને વિશ્વ સ્તરે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધો અને ભારતીય વિદ્યાર્થીઓની ક્ષમતા આ બે એવા કારણો છે. જે ના ઇચ્છતા હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ માટે લાયકાત ધરાવતા લોકોમાં મોખરે રાખે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો ટ્રમ્પ ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળશે તો ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં રહેવું સરળ બની જશે.
એક્ટિવિસ્ટોએ ટ્રમ્પના વચન પર વ્યક્ત કરી શંકા
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઇમિગ્રન્ટ્સ અંગેના તેમના કડક વલણથી પીછેહઠ કરતા દેખાતા હોય, પરંતુ માનવાધિકાર કાર્યકરોને વિશ્વાસ નથી. અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલના પોલિસી ડિરેક્ટર એરોન રીક્લિન-મેલનિકે જણાવ્યું છે કે, મને ટ્રમ્પની વાત સાંભળીને હસવું આવી ગયું. તેમના પૂર્વ રાષ્ટ્રપતિ કાળમાં વહીવટીતંત્રે સ્ટુડન્ટ વિઝાને પ્રતિબંધિત કરવા અને સ્નાતક થયા પછી યુએસમાંથી વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવા માટે ઘણી કઠોર નીતિઓ અપનાવી હતી.
અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે અમેરિકન કંપનીઓ માટે H-1B વિઝા પર અન્ય દેશોના કુશળ કામદારોની ભરતી કરવી મુશ્કેલ બનાવી દીધી હતી. એટલું જ નહીં કોવિડ-19 મહામારી દરમિયાન તેમની સરકારે એવો નિયમ બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કે જો તેમની શાળાઓ અને કોલેજો તેમના વર્ગો ઓનલાઈન ચલાવે છે, તો તેઓએ યુએસ છોડી દેવું જોઈએ. જો કે, બાદમાં મુકદ્દમા અને લોકોના વિરોધને કારણે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.
શું તમે પ્રતિભાશાળી લોકોને અમેરિકા બોલાવવાનો અધિકાર આપશો?
સિલિકોન વેલી ટેક ઇન્વેસ્ટર્સ દ્વારા આયોજિત પોડકાસ્ટમાં એક રોકાણકાર જેસન કેલાકેનિસે તેમને એક સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકાએ વધુ કુશળ કામદારોને જાળવી રાખવા માટે સક્ષમ બનવાની જરૂર છે. આવી સ્થિતિમાં શું તમે અમને વચન આપી શકો છો કે તમે અમને વિશ્વભરના શ્રેષ્ઠ અને તેજસ્વી લોકોને અમેરિકામાં આમંત્રિત કરવાના વધુ અધિકારો આપશો. જેના જવાબમાં ટ્રમ્પે હા પાડી હતી.