વાપી: વાપીના ચણોદ કોલોનીમાં ફાયરિંગ કરી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ચણોદ કોલોનીના ભરચક વિસ્તારમાં ઘરમાં ટીવી જોઈ રહેલી બે મહિલાઓને અજાણ્યા બંદૂકધારીએ અંધાધૂંધ ફાયરિંગ કરી બંનેની હત્યા કરી ફરાર થઈ જતા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. આમ બે દિવસ અગાઉ વાપીના એક ફાઇનાન્સ કંપનીમાંથી બંદૂકધારી લૂંટારૂઓએ ધોળે દિવસે રૂપિયા ૧૦ કરોડથી વધારેની લૂંટ અને હવે અંધાધૂંધ ફાયરિંગ કરી બે મહિલાઓની કરપીણ હત્યા નિપજાવીના જેવા બે ગંભીર ગુનાઓને કારણે જિલ્લામાં કાયદો વ્યવસ્થાના પર સવાલ ઊભા થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાપીના ચણોદ કોલોનીમાં મહાકાલી મંદિરની બાજુમાં આવેલા વિવેકાનંદ નગરના સરકારી આવાસોમાં નીચેના માળે રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામની એક વિધવા મહિલા એકલવાયું જીવન જીવતી હતી. તેની સાથે તેના વતન મહારાષ્ટ્રથી તેની સહેલી દુર્ગાબેન ખડસે છેલ્લા દસ દિવસથી સાથે રહેવા આવ્યા હતા. આમ બંને સહેલીઓ ઘરમાં બેસી ટીવી જોઇ રહી હતી.

એ વખતે જ ઘરની બહાર એક બાઈક પર બે બુકાનીધારી અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્શ બંદૂક જેવા હથિયાર સાથે ઘરમાં ઘૂસ્યો હતો. અને ઘરમાં બેસી ટીવી જોઈ રહેલી આ બંને સહેલીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો નંબર વગરના બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં આ મકાનમાં રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામની મહિલાનો પતિ થોડા વર્ષ અગાઉ મૃત્યુ પામ્યો હતો. જો કે મહિલાને સંતાનમાં એક પરણિત દીકરો છે. જે વહુ સાથે અલગ રહે છે, જોકે મહિલાની બાળપણની ખાસ સહેલી દુર્ગાબેન ખડસે મહારાષ્ટ્રથી છેલ્લા દસ દિવસથી આ મહિલાની સાથે રહેવા આવી હતી અને આ બંને સહેલીઓ ઘરમાં એકલી બેસીને ટીવી જોઈ હતી. એ વખતે જ અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને  સ્થળ પરથી ત્રણ ફૂટેલા કારતૂસ અને ત્રણ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. જેને કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.


જોકે હત્યાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં કોઇ પારિવારિક વિવાદ હોય તેવું લાગી રહ્યું છે. જોકે તેનું સાચું કારણ જાણવા પોલીસે પ્રથમ તો હત્યા નિપજાવી અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઈ ગયેલા અજાણ્યા બાઈક સવાર  હત્યારાઓને ઝડપી પાડવા આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી સધન તપાસ હાથ ધરી હતી. તો ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છે .


આમ ચાણોદ કોલોની જેવા ભરચક વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરો અંધાધૂંધ ફાયરિંગ કરી બે મહિલાઓની હત્યા કરી ફરાર થઇ જવાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઘટના ને પગલે  ભય નો માહોલ છવાયો  હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube