અર્પણ કાયદાવાલા/અમદાવાદ : એક તરફ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ફ્લાયઓવરનુ લોકાપર્ણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ લોકાપર્ણ વચ્ચે શહેરના બે ફ્લાયઓવર એવા છે, કે જેના કારણે વિવાદ ઉભો થયો છે. એક છે પૂર્વમાં આવેલો અનુપમ બ્રીજ, કે જે ખોખરા બ્રીજ તરીકે પણ ઓળખાય છે. તો બીજો છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં હેબતપુર ફ્લાયઓવર. આ બન્ને ફ્લાયઓવરનુ કામ અત્યંત મંથર ગતીએ ચાલતુ હોવાથી શહેરના સેંકડો લોકો ખુબજ હેરાન પરેશાન થઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદનો ખોખરા બ્રીજ છેલ્લા 3વર્ષથી બંધ છે. આ બ્રીજ બંધ હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, કારણ કે કાંકરીયા, આસ્ટોડીયા, દાણીલીમડા તરફથી આવતા લોકોએ સીટીએમ જવા માટે 5 કીલોમીટર ફરીને જવુ પડે છે. જોકે બ્રીજનુ કામ અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન અને રેલવે ઓથોરિટી દ્વારા કરવાનુ છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બંધ બ્રીજનુ કામ હજુ પણ ચાલી રહ્યુ છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બ્રીજનુ કામ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે. 


મહત્વપૂર્ણ છે કે 50 વર્ષ જુનો ખોખરા રેલવે ઓવરબ્રીજનો એક ભાગ 2015માં તુટી ગયો હતો. અને એક વ્યક્તિને ઈજા થઇ હતી. ત્યાર બાદ બ્રીજને તોડીને સંપૂર્ણ નવો બનાવવાની શરૂઆત કરાઇ છે. જે અંતર્ગત રેલ્વેની હદમાં આવતો ભાગ રૂ. 50 કરોડના ખર્ચે રેલ્વે દ્વારા અને બન્ને તરફના છેડાનુ કામ રૂ.38 કરોડના ખર્ચે એએમસી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. પરંતુ વર્ષ 2018 થી શરૂ કરાયેલુ કામ હજી પણ ગોકળગાયની ગતીએ ચાલતુ હોવાથી મોટી સમસ્યા સર્જાઇ રહીલ છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટના એડિશન સિટી ઇજનેર હિતેશ કોન્ટ્રાક્ટરનુ કહેવુ છે, કોરોનાની સ્થિતી અને સુરક્ષા સંબંધી ટેકનીકલ કારણોસર રેલ્વે દ્વારા તેનુ કામ પૂર્ણ થઇ શક્યુ નથી. એકવાર રેલ્વેનુ કામ પૂર્ણ થાય તે બાદ એએમસી દ્વારા 3 મહીનામાં તે કામ પૂર્ણ કરી દેવાશે.


આવો જ એક અન્ય વિવાદીત ફ્લાયઓવર કે જે લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે, તે છે હેબતપુરથી સિમ્સ હોસ્પીટલ તરફનો ફ્લાયઓવર. કે જેનુ કામ પણ 2 વર્ષ પહેલા શરૂ થયુ હતુ. રૂ.58 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ ફ્લાયઓવર પણ રેલ્વે અને એએમસી તંત્ર વચ્ચે વહીવટી બાબતોમાં અટવાયેલો છે. આ ઉપરાંત કેટલાક ટેકનીકલ કારણો અને કોરોનાની પરિસ્થીતીના કારણે પણ કામ અટવાયુ હોવાનુ બ્રીજ પ્રોજક્ટના અધિકારી સ્વિકારી રહ્યા છે. તેઓનુ કહેવુ છેકે હેબતપુર ફ્લાયઓવરનુ કામ આગામી 3 મહીનામાં પૂર્ણ થઇ જશે અને શહેરીજનો વહેલી તકે તેનો ઉપયોગ કરતા થઇ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube