ડૉ. કુરિયન ધર્મ પરિવર્તન માટે ખ્રિસ્તી મિશનરીઓને અમૂલમાંથી ફંડ આપતાઃ દીલિપ સંઘાણી
બાઇક રેલી દરમિયાન પૂર્વ કૃષિ પ્રધાને કહ્યું કે, લોકોને ઈતિહાસ ખબર પડે તે માટે હું આ કહી રહ્યો છું. તેમને હટાવવામાં આવ્યું તેનું કારણ પણ આજ હતું.
અમરેલીઃ છેલ્લા ઘણા દિવસોથી વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં રહેનારા ભાજપના નેતા દીલિપ સંઘાણીએ ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયનને ટાર્ગેટ કર્યા છે. મહત્વનું છે કે, બે દિવસ પછી વર્ગિસ કુરિયનનો જન્મ દિવસ છે. આ દિવસની નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેમના જન્મદિવસ પહેલા ગુજરાતમાં બાઇક રેલી યોજવામાં આવી રહી છે. તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમરેલી ખાતે જોયાજેલા કાર્યક્રમમાં દીલિપ સંઘાણીએ વિવાદીત નિવેદન આપ્યું હતું.
સંઘાણીએ ડો. કુરિયન પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, દેશ પર પ્રભુત્વ ધરાવતા અંગ્રેજી અખબારોને કારણે કિરયન હિરો બન્યા હતા. રાજ્યના ગરીબ ખેડૂતો અને પશુપાલકો મહેનત કરીને જે પૈસા જમા કરાવતા તેમાંથી કુરિયન ક્રિશ્ચિયન મિશનરીને દાન કરતા હતા. તે ધર્મ પરિવર્તનનું કામ કરી રહ્યાં હોવાથી આખા દેશમાંથી તેમને સમર્થન મળ્યું હતું. અમને કુરિયને જે કામ કર્યું તેમાં વાંધો નથી.
બાઇક રેલી દરમિયાન પૂર્વ કૃષિ પ્રધાને કહ્યું કે, લોકોને ઈતિહાસ ખબર પડે તે માટે હું આ કહી રહ્યો છું. તેમને હટાવવામાં આવ્યું તેનું કારણ પણ આજ હતું. જે લોકો તેમની વાહ વાહ કરે છે તેમને આ વાતની ખબર નથી. અમૂલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલ ભૂલાઈ ગયા છે.