ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ, GMC ની મોટી કાર્યવાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખ્યાતિ હોસ્પિટલ કાંડ સતત ચર્ચામાં છે. પૈસા કમાવાની લાલચમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટા ઓપરેશન કરવામાં આવતા હતા. આ ઓપરેશન ડોક્ટર પ્રશાંત વઝીરાણી દ્વારા કરવામાં આવ્યા હતા. હવે ડોક્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ખોટા ઓપરેશન કરી મોતને ઘાટ ઉતારી દેનારા ડોક્ટર પ્રશાંત વઝીરાણી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ડોક્ટર પ્રશાંત વઝીરાણી કસ્ટડીમાં છે. આ વચ્ચે ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડોક્ટર પ્રશાંત વઝીરાણી સામે મોટી કાર્યવાહી કરી છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલે કરી કાર્યવાહી
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજનામાંથી પૈસા પડાવી લેવાની લાલચમાં ગામડાઓમાં કેમ્પ કરી દર્દીઓના ખોટા ઓપરેશન કરવામાં આવતા હતા. જે દર્દીઓ હોસ્પિટલમાં આવતા હતા તેના ખોટા ઓપરેશન કરવાનું કામ ડોક્ટર પ્રશાંત વઝીરાણી દ્વારા કરવામાં આવતું હતું. જેમાં ઘણા દર્દીઓના મોત પણ થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની તપાસ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
આ પણ વાંચોઃ વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતમાં થશે વરસાદનું આગમન! આ વિસ્તારોમાં ખતરો, જાણો આગાહી
પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ રદ્દ
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોક્ટર પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ્દ કરી દેવામાં આવ્યું છે. ખ્યાતિ કાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડોક્ટર પ્રશાંત વઝીરાણીનું MBBS, MS, DNB નું લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એટલે કે પ્રશાંત વઝીરાણી હવે પોતાની પ્રેક્ટિસ કરી શકશે નહીં.
આ લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સર્જન ડૉ.સંજય પટોલિયા, ડિરેક્ટર ચિરાગ રાજપૂત, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી પ્રશાંત વઝીરાણી સહિત કુલ છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.