કચ્છઃ ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સે એકવાર ફરી કચ્છના મુંદ્રા પોર્ટ પર મીઠાની બેગની આડમાં લાવવામાં આવેલ 52 કિલો કોકીન જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 500 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ જથ્થો ઈરાનના રસ્તે મુંદ્રા પોર્ટ પર મોકલવામાં આવ્યો હતો. વર્ષ 2021-2022 દરમિયાન ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ અત્યાર સુધી 3200 કરોડ રૂપિયાનું કોકીન જપ્ત કરી ચુક્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે તેમને સૂચના મળી હતી કે ઈરાન દ્વારા માદક પદાર્થોનો મોટો જથ્થો ભારત મોકલવામાં આવી શકે છે. આ માહિતીના આધાર પર ડીઆરઆઈએ એક ગુપ્ત ઓપરેશન ચલાવ્યું હતું. જે ઓપરેશનનું નામ નમકીન રાખવામાં આવ્યું હતું. ઓપરેશનમાં મેળવેલી ગુપ્ત જાણકારી અને વ્યાપક ડેટા વિશ્લેષણ તથા નજરના આધાર પર ડીઆરઆઈને કચ્છના મુંદ્રા પોર્ટ પર આવેલા 25 મેટ્રિક ટનના સામાન્ય મીઠાના જથ્થા પર શંકા ગઈ હતી. આ મીઠાના જથ્થામાં 1000 બેગ સામેલ હતી, જેને ઈરાનથી મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવ્યું હતું. 


શંકાના આધાર પર ડીઆરઆઈના અધિકારીઓએ આ જથ્થા પર સતત 24 મેથી 26 મે સુધી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મીઠાની બેગમાં શંકાસ્પદ વસ્તુ લાગી. કારણ કે બેગમાં પાઉડરના રૂપમાં એક વિશિષ્ટ ગંધવાળો પદાર્થ મળ્યો હતો. ત્યારબાદ તેના સેમ્પલ લેવામાં આવ્યા અને ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ પત્રકાર અને NGOની ઓળખ આપી ફેકટરી માલિકો પાસેથી તોડ કરતી ટોળકી ઝડપાઇ


સેમ્પલની ચકાસણી કરતા આ બેગોમાં કોકીન હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધીની તપાસ દરમિયાન 52 કિલો કોકીન જપ્ત કરવામાં આવ્યું છે. કોકીન મળ્યા બાદ ડીઆરઆઈ અધિકારીઓએ એનડીપીએસ અધિનિયમ 1985ની જોગવાઈ હેઠળ તપાસ અને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 


સાથે આ જથ્થો કઈ કંપનીએ મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો, તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ પહેલા પણ મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube