DRIનો સપાટો: કરોડો રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટનો જંગી જથ્થો જપ્ત, 5મી મોટી કાર્યવાહી
DRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુંદ્રા સી પોર્ટ પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજેન્દ્ર ઠકકર/કચ્છ: ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 19મી ઑક્ટોબર 2022ના રોજ મુન્દ્રાના પ્રાઇવેટ CFSમાંથી રૂ. 33 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર અને મૅક આઇસ બ્રાન્ડ્સ)નું કન્ટેનર જપ્ત કર્યું છે.ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ પાંચમી મોટી કાર્યવાહી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.
33 કરોડની કિંમતની કુલ 1.15 કરોડ વિદેશી બ્રાન્ડેડ સિગારેટ જપ્ત કરાઈ
DRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુંદ્રા સી પોર્ટ પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, કન્ટેનરની ઓળખ કરી અને ટ્રેક કરવામાં આવ્યો હતો.
19.10.2022ના રોજ કન્ટેનરની તપાસમાં "માન્ચેસ્ટર અને મૅક આઇસ" બ્રાન્ડની વિદેશી બ્રાન્ડની સિગારેટના 1150 બોક્સ જણાઈ આવ્યા હતા. દરેક બોક્સમાં લગભગ 10 હજાર સિગારેટ ભરેલી હતી. તદનુસાર, રૂ. 33 કરોડની કિંમતની કુલ 1,15,00,000 વિદેશી બ્રાન્ડેડ સિગારેટ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ હજી ચાલુ છે.
DRI અમદાવાદ દ્વારા ચોથી મોટી કાર્યવાહી
ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. કુલ કરવામાં આવેલ કાર્યવાહીની કુલ કિંમત 135 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની, તો ઓકટોબર 2022માં 17 કરોડની કિંમતની ઇ-સિગારેટની ઝડપવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી દેશમાં સિગારેટની દાણચોરીને રોકવા માટે DRIની કામગીરીનો એક ભાગ છે.
આ પણ જુઓ વીડિયો:-