અમદાવાદ :ગુજરાત સરકાર ભલે ગણે તેટલા બણગા ફૂંકતી હોય, પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ફેલાઈ ગયુ છે. આ દૂષણ હવે શાળાઓ સુધી પહોંચ્યુ છે. ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ પાસેથી હવે ડ્રગ્સ મળી રહ્યાં છે. અમદાવાદની એક હાઈફાઈ સ્કૂલના ધો.11ના વિદ્યાર્થી પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ અમદાવાદની એક શાળામાં ડ્રગ્સ મળ્યાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના છેવાડે આવેલી એક ખ્યાતનામ CBSE સ્કૂલમાં ઘણા સમયથી ડ્રગ્સની ફરિયાદો ઊઠી હતી. સ્કૂલ મેનેજમેન્ટે આ બાબતે પગલા લઈને અચાનક ચેકિંગ કર્યુ હતું. જેમાં ધો. 11ના એક વિદ્યાર્થી પાસેથી રૂ. 2 લાખ રોડકા, ડ્રગ્સ તથા ઈ-સિગારેટ મળી હતી. આ ઘટના ગુજરાતના ભવિષ્યની પેઢી માટે બહુ જ ચિંતાજનક છે. ચાલુ ક્લાસે કોઈ સ્ટુડન્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળતાં સ્કૂલ મેનેજમેન્ટ ચોંકી ઊઠ્યું હતું.  



જ્યારે વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ માટેની જડતી લેવામાં આવી હતી, ત્યારે તેણે ચેકિંગ દરમિયાન પોતાની પાસે કંઈ પણ ન હોવાનુ જણાવ્યુ હતું. પરંતું એકાએક ચેકિંગ લેતા તેની પાસેથી 2 લાખ રોડકા, ડ્રગ્સ તથા ઈ-સિગારેટ મળી હતી. જે જોઈને સ્કૂલ મેનેજમેન્ટ પણ ચોંકી ગયુ હતું. આ બાદ સ્કૂલ મેનેજમેન્ટે વિદ્યાર્થીના વાલીને જાણ કરી હતી. વિદ્યાર્થી પાસે આટલી મોટી રકમ અને ડ્રગ્સ ક્યાંથી આવ્યુ તે વિશે સવાલો કર્યા હતા. તો બીજી તરફ, વાલીએ પણ આ બાબતે મૌન સેવ્યુ હતું. તેઓ પણ વિદ્યાર્થી પાસેથી મળેલી વસ્તુનો ખુલાસો કરી શક્યા ન હતા. 


બીજી તરફ, વાલી તથા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલો દબાવવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા એસેમ્બ્લીમાં તમામને ચેતવણી આપવામાં આવી હતી કે, જો વાત બહાર આવશે તો ગંભીર પરિણામો આવશે. પરંતુ આખરે સત્ય બહાર આવ્યું છે. હવે અન્ય વાલીઓમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.