તેજસ દવે, મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે થનારા ત્રિપાંખિયા જંગને પગલે હાલ રાજકીય ગરમાવાની સ્થિતિ ઉભી થઈ છે. આ સ્થિતિની વચ્ચે તપાસ એજન્સીઓનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. જેને પગલે રાજકીય શાખ ધરાવતા આગેવાનોમાં પણ ક્યાંકને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. તેનું તાજુ ઉદાહરણ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીનું છે. દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ACBએ ગુનો નોંધીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. આ કેસમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ તપાસમાં નામ ખુલતા ભારે ઓહાપોહ મળ્યો છે. મહેસાણા કોર્ટે શંકરસિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડિયા બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેને પગલે અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાએ 6 ઓક્ટોબરે મહેસાણામાં સાક્ષી હુંકાર મહાસભાનું આયોજન કર્યું છે. બંને દિગ્ગજ નેતાઓના નામ ખુલતા બંને એક પક્ષમાં ના હોવા છતાં સાથે મળીને 6 ઓક્ટોબરે મહેસાણામાં મહાસભા યોજાશે. આ મહાસભામાં વિપુલ ચૌધરીના સમર્થકો સહિત હજારો લોકો જોડાવાના હોવાનો દાવો કરાઈ રહ્યો છે.


ડબલ એન્જિન સરકાર અમને હેરાન કરે છેઃ શંકરસિંહ વાઘેલા
વિપુલ ચૌધરીની જે તે સમયે ભલામણ કરવામા આવતા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાને કોર્ટે સાક્ષી તરીકે 6 ઓક્ટોબરે હાજર રહેવા સમન્સ આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું વિપુલ ચૌધરી સામે ડેરી અંગે જે કોઈપણ કેસ હોય તો કાયદા પ્રમાણે કાયદો કામ કરે. વિપુલ ચૌધરીની ભલામણ કેમ કરી તે અંગે અમારી પાસે ખુલાસો માંગવામાં આવશે તો અમે ખુલાસો આપીશું. ભલામણ કરવી કોઈ ગુનો નથી. શંકરસિંહે એમ પણ આરોપ લગાવ્યો કે કિન્નખોરીથી ડબલ એન્જીન સરકાર અમને હેરાન કરવાનું નક્કી કર્યું છે.


સમન્સનો જવાબ અમે જરૂર આપીશું: અર્જૂન મોઢવાડિયા
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે અમને સમન્સ આવ્યું છે તેનો જવાબ અમે જરૂરીથી આપીશું. વિપુલ ચૌધરી ચૂંટણી સમયે શરણાગતિ સ્વીકારતા નહોતા એટલે જેલમાં ગયા છે. સુરેન્દ્રનગરમાં સુર સાગર ડેરી અને બીજી ડેરીઓ કમલમમાં ભોગ ધરે છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી મામલે સંકેત આપતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આતુરતાનો અંત જલ્દી આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. અમારા પ્રદેશના નેતાઓની લાગણી પણ છે કે બાપુ ફરીથી કોંગ્રેસમાં જોડાય.