મહેસાણાઃ દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને વધુ એક ઝટકો મળ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરાયો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે. હાલ કિલો ફેટનો ભાવ રૂપિયા 550 છે જેમાં 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે જેથી હવે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ 525 રૂપિયા જ મળશે. છેલ્લા ત્રણ મહિનામાં દૂધ સાગર ડેરીએ ચોથી વખત ભાવ ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો આવતીકાલથી જ અમલી બની જશે. દૂધની આવક વધતા અને દૂધનું વેચાણ ઘટતા ભાવ ઘટાડો કરાયો છે.


છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત ભાવમાં ઘટાડો કરતા દૂધઉત્પાદકોમાં નિરાશા જોવા મળી રહી છે. પહેલા એક કિલો ફેટનો ભાવ 550 રૂપિયા હતો, જે હવે ઘટીને 525 રૂપિયા થઈ ગયો છે. મહેસાણા દૂધ ઉત્પાદક સહકારી સંઘને ચાર વર્ષમાં 1240 કરોડનું નુકસાન થયું છે. મિલ્ક ફેડરેશન સામે દૂધસાગર ડેરીએ ગંભીર આરોપ કર્યા છે. ફેડરેશન દિલ્હીમાં વેચાતું દૂધ ખાનગી ડેરીમાં પેકિંગ કરાવે છે હાલમાં ફેડરેશન દિલ્હીમાં રોજનું 35 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. આ તમામ પરિબળો ભાવ ઘટાડા પાછળ માનવામા આવે છે.