સુરતઃ બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ભીંજવવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની અનેક જળાશયો છલકાયા અને અનેક ગામોમાં નદીના પાણી પણ ઘૂસ્યા છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુઓ આ ખાસ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીઓ બનેલી શેરીઓ અને દરિયો બનેલા રસ્તાઓમાંથી લોકોને રેસ્ક્યૂ કરવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે. રસ્તા વચ્ચે જ વૃક્ષો ધરાશાયી થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે.  સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યાં હોવાથી ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. છેક પુણા સુધી આ પાણી ભરાયેલાં છે. જ્યારે મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. મીઠી ખાડી વિસ્તારનાં ઘરો 40 કલાકથી પાણીમાં છે.


આ પણ વાંચોઃ ગુજરાતના આ શહેરમાં આવતીકાલે શાળાઓમાં રજા, ભારે વરસાદની આગાહીને લીધે લેવાયો નિર્ણય


ન માત્ર સુરત શહેરમાં પરંતુ, સુરત જિલ્લામાં પણ વરસાદની છેલ્લાં 4 દિવસથી ધમાકેદાર બેટિંગ શરૂ છે. સુરત જિલ્લાનું સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાય ગયું છે. આ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે, સણિયા હેમાદ ગામની પરિસ્થિતિ શું છે. સણિયા હેમાદ ગામમાં દર વર્ષે આ રીતે જ પાણીનો ભરાવો થાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.. 


ન માત્ર સુરત પરંતુ, દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વલસાડમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 75 હજાર ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે દમણગંગા નદી તોફાની બની.. 



વરસાદી તાંડવનો સિલસિલો નવસારીમાં પણ યથાવત્ છે. નવસારી જિલ્લાના 4 તાલુકાઓમાં અવિરત વરસાદના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. કાવેરી નદીમાં પાણી વધતાં અંતલિયાને જોડતો લો લેવલ પૂલ પાણીમાં ગરકાવ થયો છે. 


તાપી જિલ્લાની વાત કરીએ તો, તાપીના ડોલવણ તાલુકામાં ભારે વરસાદના કારણે પંચોલીથી પલાસિયા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. વરસાદી પાણી ભરાવાના કારણે લો લેવલનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના કુલ 11 જેટલા માર્ગ બંધ હાલતમાં છે. દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદથી સૌથી વધારે સુરત જિલ્લો પ્રભાવિત થયો છે. દર વર્ષે પાણી ભરાવવાના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે..