ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ચોમાસુ પૂરુ થવાને હજુ 21 દિવસ બાકી છે. આવામાં નર્મદા નદી કહેર બની રહી છે. નર્મદા નદીની સપાટી વધતા તેને અડતા ત્રણ જિલ્લાઓને અસર થઈ છે. અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામમાં પાણી ઘૂસી ગયા છે. તો ચાંદોદમાં લોકોની દુકાનો પાણી પાણી થઈ ગઈ છે. NDRF ની એક ટીમ ચાંદોદ ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે. ચાંદોદથી કરનાળી વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો છે. જેથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે જ ચાંદોદ ખાતે બોટ સેવા પણ તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચમાં નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે. સરદાર સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ શહેરમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. નર્મદાનું જળસ્તર ગોલ્ડનબ્રિજ ખાતે 32 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો નદીનો પ્રવાહ નજરે પડી રહ્યો છે. આ કારણે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના 35 ગામો એલર્ટ પર મૂકાયા છે. જિલ્લામાં કુલ 2500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટીમાં નર્મદાના પાણી ભરાયા છે. ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેથી ઝૂપડપટ્ટીના 50 લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા. ભાડભૂત ગામથી અંકલેશ્વરના સરફુદીન તરફ મોડી રાત્રે બોટ બંધ થઈ ગઈ હતી. જેથી NDRF એ 5 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. 


હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 132.51 મીટર પર પહોંચી ગઈ છે. હાલ ઉપરવાસ માંથી 10 લાખ 15 હજાર 569ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ, ડેમના 23 દરવાજામાંથી 9 લાખ 54 હજાર પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નર્મદા નદી કાંઠા નર્મદા જિલ્લાના 21 ગામો એલર્ટ પર મૂકાયા છે. 


ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા ભારે વરસાદ આવી શકે છે. ગુજરાતમાં ચોમાસું પૂરું થવાના હજુ 21 દિવસ બાકી છે. ત્યારે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તો બીજી તરફ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદ ઓછો છે.