અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં દશેરા પર્વ પર કરાતા રાવણ દહન માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઉત્તર પ્રદેશના આગ્રાના વતની શરાફત અલી ખાન દ્વારા 35 જગ્યાઓ માટે રાવણ દહન માટે પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. દશેરાને હવે એક જ દિવસ બાકી રહી ગયો છે, ત્યારે તેઓ અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે. તેમને ગુજરાતભરમાંથી ઓર્ડર મળ્યાં છે. 60 જેટલા રાવણ, મેઘનાથ અને કુંભકર્ણનાં પૂતળા તૈયાર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ઊંચો 51 ફૂટનો રાવણ
શરાફત અલી ખાનના પરિવારના સભ્યો દશેરાના બે મહિના પહેલા અમદાવાદના રામોલમાં આવી ઓર્ડર મુજબ પૂતળા તૈયાર કરે છે. અમદાવાદમાંથી મળેલા ઓર્ડર મુજબ સૌથી ઉંચો 51 ફૂટના રાવણનું દહન સાબરમતી ખાતે આવેલા ડી કેબિનમાં કરાશે. અમદાવાદનાં ભાડજ ખાતે આવેલા હરિ કૃષ્ણ મંદિર ખાતે 40 ફૂટના રાવણ તેમજ 35 ફૂટના કુંભકર્ણ અને મેઘનાથનાં પૂતળાનું દહન કરાશે. અમદાવાદ સિવાય રાજકોટ, દાહોદ અને વડોદરામાં ત્રણ સ્થળે 51 ફૂટના રાવણનું દહન થશે. 


આ પણ વાંચો : સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો, યુવતીએ ગરબામા ધુમાડા ઉડાવીને સિગારેટ પીધી


કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમમાં જુસ્સો જોવા મળશે. ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે શરાફત અલી ખાનને ગયા વર્ષ કરતા આ વર્ષે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનાં બમણા ઓર્ડર મળ્યા છે. કોરોનાને કારણે ગયા વર્ષે 30 ઓર્ડર મળ્યા હતા જે આ વર્ષે વધીને બમણો થયો અને 60 પૂતળાંનાં ઓર્ડર મળ્યા છે. 


રાવણના પૂતળા બનાવતા સમીર ખાને કહ્યું કે, ગયા વર્ષે કોરોનાનો સમય હતો, ત્યારે 30 જેટલા પૂતળાંનાં ઓર્ડર મળ્યા હતા, જે આ વખતે વધીને 60 ઓર્ડર થયા છે. સમીર ખાને કહ્યું કે, તેમનો પરિવાર છેલ્લા 60 વર્ષથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનાં પૂતળા બનાવતું રહ્યું છે. આ વર્ષે અનેક સોસાયટીઓમાંથી પણ નાના નાના રાવણના પૂતળાંનાં ઓર્ડર મળ્યા છે. રાવણના 10 ફૂટના પૂતળાં માટે અનેક સોસાયટીઓએ ઓર્ડર આપ્યા છે, જેની કિંમત અંદાજે 10 હજાર રૂપિયા થતી હોય છે. તો સમીર ખાને કહ્યું કે, આ વખતે જે રાવણ તૈયાર કરવામાં આવ્યા છે, એ વિશેષ રહેશે. કારણ કે, રાવણની આંખ, મોઢામાંથી રોશની નીકળે એ પ્રકારે પૂતળા બનાવ્યા છે, રાવણના હાથમાં રહેલી ઢાલ પણ ગોળ ફરતી જોવા મળશે. 


આ પણ વાંચો : માતાએ બહેનના હાથમાં પોતાનો માસુમ સોંપ્યો, માસીએ ચોરીનો વહેમ રાખી મોત આપ્યું


દશેરાના બે મહિના પહેલાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાવણ દહન માટે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનાં પૂતળા બનાવીને પહોંચાડવામાં આવે છે. રાવણ બનાવતા શરાફત અલી ખાનનો પરિવાર ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી 35 જેટલા કારીગરો સાથે આવી પહોંચે છે. રાવણ, મેઘનાથ અને કુંભકર્ણ બનાવવા માટે કલર પેપર, કાપડ, વાંસ, બામ્બૂનો ઉપયોગ કરવામાં આવે છે. 40 ફૂટ ઊંચાઈનાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણનાં પૂતળા રામોલથી અલગ અલગ જગ્યાએ સુધી લઈ જવા ખુલી ટ્રેલરને ઉપયોગ કરવામાં આવે છે.