દિનેશ વિઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ પર ઓફલાઈન દર્શનને પરવાનગી અપાઈ છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભક્તો દર્શન કરવા આવે તે માટે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે મંદિરમાં ભક્તો વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. તેના ઉપર ભક્તોએ ઉભા રહેવાનું હશે. મંદિરની અંદર માસ્ક અને સેનેટાઈઝેશનના નિયમોનું ફરજિયાત પાલન કરાવવામાં આવશે. ઓફલાઈનની સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો વેબસાઈટ અને યુટ્યુબ પરથી દ્વારકાધીશના દર્શન કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકો અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે.  900 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ દ્વારકા શહેર અને જગત મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ પર તૈનાત રહેશે.


યાત્રાધામ દ્વારકામાં આ વર્ષે પણ પરંપરાગત રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભક્તો મંદિર અંદર પ્રત્યક્ષ દર્શન કરી શકે તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જેને લઈને મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. જેમાં દ્વારકાના જગત મંદિર અને ભગવાનના દર્શનાર્થે આવનાર યાત્રિકો માટે ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. આ માટે 3 ડીવાયએસપી, 14 પીઆઇ, 46 પીએસઆઇ, 570 જેટલા પોલીસ કર્મીઓ તેમજ જીઆરડી, હોમગાર્ડ જવાનો, એસઆરડી અને ટીઆરબીના કુલ 300 જેટલા કર્મીઓ સહિત 900 થી વધુનો પોલીસ કાફલો મંદિર અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રહેશે.


ભક્તોના પ્રવેશ માટે બેરીકેટ રાખવામાં આવશે. જેથી વધુ પ્રમાણમાં ભીડ એકઠી ન થાય અને તમામ ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરી શકે. સાથે સાથે એન્ટ્રી અને એક્સીટ પોઇન્ટ અલગ અલગ રાખવામાં આવ્યા છે. તમામ ભક્તોને મંદિરની અંદર સરકારની કોરોના માટે જાહેર કરાયેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને સર્કલ બનાવવામાં આવશે, જે રાઉન્ડ અંદર ભક્તોને રહેવું પડે તે માટે પોલીસ જવાનો તૈનાત રહેશે. સાથે જ મંદિરની અંદર 200 લોકોથી વધુ એક સાથે એકઠા ન થાય તે રીતે પણ વ્યવસ્થા કરવામાં આવશે અને વધુમાં વધુ લોકો ઓનલાઈન માધ્યમથી દર્શન કરે તે માટે પણ અપીલ કરાઈ છે.