આવા પણ મુખ્યમંત્રી હોય છે... સત્તા ભૂલીને દીકરીના ટ્રાફિક મેમોના દંડની રકમ ભરી હતી, અને માફી પણ માંગી
E Samay Ni Vat Che : આજે તો નેતાઓના સંતાનો પણ એવો રુઆબ ઓઢીને ફરતા હોય છે કે ન પૂછો વાત... પરંતુ ગુજરાતના એક મુખ્યમંત્રીએ પોતાની દીકરીએ તોડેલા ટ્રાફિક નિયમના ભંગનો મેમો ભર્યો હતો
E Samay Ni Vat Che ચિંતન ભોગાયતા/અમદાવાદ : કોઈને અચાનક મુખ્યમંત્રી પદ મળે તો શું થાય?...સત્તાના મદમાં આવી જાય? કે પછી શું કરવું એ ન સમજાય? પણ આજે વાત કરીશું ગુજરાતના એક એવા મુખ્યમંત્રીની જેમનો મુખ્યમંત્રી કાળ ઘણો ઓછો રહ્યો પણ પદ પર આવતાંની સાથે જ તેઓ એક્શનમાં આવી ગયા હતા...કોણ હતા એ મુખ્યમંત્રી જોઈએ એ સમયની વાત છેમાં...
આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા દિલીપ પરીખ...શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની રાજનીતિમાં અફરાતફરી કરી દીધી હતી તે પછી તરત જ દિલીપ પરીખને અચાનક ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા હતા.
મુખ્યમંત્રી બનતાંની સાથે જ દિલીપ પરીખ એક્શનમાં આવ્યા અને સૌથી પહેલું કામ તેમણે ઉપાડ્યું અમદાવાદના ટ્રાફિકને દુરુસ્ત કરવાનું. અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે યુવાન ડીસીપી સમીઉલ્લાહ અંસારીનું પોસ્ટિંગ થયું. તેઓ શહેરના ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ટ્રાફિક પોલીસ પાસેથી ખાસ્સું કામ લેતા હતા.
આ પણ વાંચો :
ગુજરાતના 10 જિલ્લા જોશીમઠ જેવા, ગમે ત્યારે જમીનમાં સમાશે, રિપોર્ટ સરકારની ઊંઘ ઉડાડશે
આ દરમિયાન આશ્રમ રોડ ઉપર આવેલા ડિલાઈટ સર્કલ પર એક યુવતી કાર લઈ સિગ્નલ તોડે છે, ફરજ પરના પોલીસકર્મી કારને રોકે છે. પણ યુવતી ઉંમર અને પિતાના પદના કેફમાં હતી. તેણે પોલીસને પોતાનો પરિચય ન આપ્યો પણ પોલીસ પર રૌફ જમાવ્યો અને દંડની રકમ ભર્યા વિના જ ત્યાંથી જતી રહી.
આ યુવતી બીજું કોઈ નહીં પરંતુ દિલીપ પરીખની જ પુત્રી હતી. ફરજ પરનો પોલીસ આ વાતથી અજાણ હતો. તેણે કારનો નંબર નોંધી આગળની કાર્યવાહી કરી. RTOમાંથી કાર માલિકનું સરનામું લઈ એક પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદના સીજી રોડ પર સ્થિત બંગલા પર પહોંચ્યા. કોન્સ્ટેબલને એ ખબર નહોતી કે તેને મળેલું સરનામું કોનું છે. તે મેમો બુક સાથે બંગલાના દરવાજે પહોંચે છે અને ડોરબેલ વગાડે છે.
ડઝનબંધ પદ રાખી રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાશે, ગુજરાતમાં ભાજપમાં નવાજૂની થશે
દિલીપ પરીખ તરત પોતાની પુત્રીના વ્યવહાર માટે માફી માગે છે અને કોન્સ્ટેબલને કહે છે નિયમ પ્રમાણે જે દંડ થતો હોય તે લઈ લો, કોન્સ્ટેબલ દંડનો મેમો આપે છે મુખ્યમંત્રી દિલીપ પરીખ દંડની રકમ પણ ભરે છે...આમ મુખ્યમંત્રી થયા પછી પણ તેમની અંદરના સારાપણાને તેમણે જીવંત રાખ્યું હતું.
જાણવા જેવું
દિલીપ પરીખનો જન્મ બોમ્બે (વર્તમાન મુંબઈ)માં થયો હતો. તેમણે એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં B.A. તેમજ કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમનો પ્લાસ્ટિક ઉત્પાદનનો ધંધો હતો. 1990માં પરીખે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સમિતિના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી. ભાજપના ઉમેદવાર તરીકે ધંધૂકા મત વિસ્તારમાંથી 1990 અને 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીને જીત્યા હતા. તેઓ 28 ઓક્ટોબર 1997થી 4 માર્ચ 1998 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા. 25 ઓક્ટોબર 2019ના દિલીપ પરીખે અંતિમ શ્વાસ લીધા.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં ઠંડીનો પારો સીધો 1.4 ડિગ્રી. કયા કયા શહેરમાં કોલ્ડવેવની આગાહી જુઓ