ગુજરાતની રાજનીતિનો ખાસ કિસ્સો, એક મુખ્યમંત્રીનાં પત્નીને પણ બનવું હતું CM, પણ...
Gujarat History : રાજનીતિનું દુર્ભાગ્ય તો જુઓ હજી તો ચીમનભાઈના અગ્નિસંસ્કાર થાય તે પહેલાં તો મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા અને લોબિંગ શરૂ થઈ ગયું... એ સમયની વાતમાં જુઓ ગુજરાતની રાજનીતિનો મહત્વનો કિસ્સો
ચિંતન ભોગાયતા/અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના નિધન પહેલાં અને પછી ગુજરાતમાં રાજકીય ગડમથલ થઈ હતી. આ પાછળ શું કારણો જવાબદાર હતાં, તેમના બાદ કોને કોને બનવું હતું મુખ્યમંત્રી અને આખરે કોને સોંપાઈ ગુજરાતની સત્તાની કમાન આવો જોઈએ તે આખો ઈતિહાસ રોમાંચક છે.
આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી હતી. ચીમનભાઈ પટેલે હજી તો જનતા દળમાંથી કોંગ્રેસમાં વાપસી કરી જ હતી. પણ કોંગ્રેસનો એક મોટો વર્ગ ચીમનભાઈ પટેલના કારણે રાજી નહોતો. આ નેતાઓમાં એક હતા ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકી. માધવસિંહનું કદ રાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ મોટું હતું. માધવસિંહની એવી ઈચ્છા હતી કે ટિકિટ કોઈ મૂળ કોંગ્રેસી હોય એને જ મળે.
આ પણ વાંચો : પાવાગઢ જતા મુસાફરોને રસ્તામાં જ કાળ ભરખી ગયો, હાલોલ પાસે ઈકો કારે કાબૂ ગુમાવતા 3 ના મોત
જ્યારે ચીમનભાઈ એવું ઈચ્છતા હતા કે ટિકિટ વહેચણીમાં જૂના જનતાદળને મહત્વ મળે. ચીમનભાઈ પોતાના સ્વભાવ પ્રમાણે ખૂબ તણાવમાં રહેવા લાગ્યા હતા. તબિયત પણ ખરાબ હતી અને આરામ પણ નહોતા કરતા.
17મી ફેબ્રુઆરી, 1994ની સવારે તેમની તબિયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને સીએમ બંગલે ડોક્ટર્સ દોડી આવ્યા. તબીબે કહ્યું કે, તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડશે. ચીમનભાઈ પટેલને સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું.
રાજનીતિનું દુર્ભાગ્ય તો જુઓ હજી તો ચીમનભાઈના અગ્નિસંસ્કાર થાય તે પહેલાં તો મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા અને લોબિંગ શરૂ થઈ ગયું. અમદાવાદના ખાનપુરમાં ચીમનભાઈ પટેલની શોકાંજલિ સભામાં ચીમનભાઈ પટેલનાં પત્ની ઉર્મિલાબહેન પટેલે એવો દાવો રજૂ કરી દીધો કે પોતે મુખ્યમંત્રી થવા માટે તૈયાર છે. આવું થવાથી કોંગ્રેસ અનેક જૂથોમાં વહેંચાઈ ગઈ. આખરે કેટલાક દિવસોની કવાયત બાદ પસંદગીનો કળશ ‘છબીલદાસ મહેતા’ પર ઢોળાયો હતો.