ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં એક પછી એક પેપર ફૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 6નું પેપર ફૂટ્યું છે. પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા જ પેપર ફૂટતા અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. જેના કારણે વિદ્યાર્થીઓની કાળઝાળ ગરમીમાં અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનાને પગલે પેપર માફિયાઓ પર બુલડોઝર ફેરવાય તેવી વિદ્યાર્થીઓની માગ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આજે VNSGU માં બી કોમ સેમસ્ટર- 6 નું પેપર હતું. પરંતુ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા જ પેપર ફૂટી ગયું હતું. જેના કારણે પેપર રદ્દ કરવાનો વારો આવ્યો છે. વાડિયા વિમેન્સ કોલેજમાં બી કોમ સેમસ્ટર- 6 નું પેપર ફૂટ્યું છે. પેપર ફૂટતાં અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યની વધુ એક યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટનાથી હવે વિદ્યાર્થીઓ અકળાયા છે.


ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આજ યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો હતો. કરોડો રૂપિયા ઓનલાઈન એક્ઝામ લેવામાં ખર્ચવામાં આવે છે તેમ છતાં કોઈ ન કોઈ રીતે કોઈ ક્ષતિના કારણે પરીક્ષામાં છબરડા જરૂર જોવા મળે છે. ત્યારે વધુ એક છબરડો કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની ઓનલાઇન પરીક્ષામાં જોવા મળ્યો હતો. બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર-3 નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. આ છબરડાના કારણે દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી. 


નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાઓ લેવાઇ રહી હતી. પરંતુ પરીક્ષા મામલે યુનિવર્સિટીના સત્તાધીશો બિન્દાસ્ત જોવા મળી રહ્યાં છે. કોઇને ને કોઇ પરીક્ષામાં ક્ષતિના કારણે યુનિવર્સિટીમાં છબરડાઓ થતા જ રહે છે. જેમાં અધિકારીઓના પેટનુ પાણી પણ હલતુ નથી, પરંતુ વિદ્યાર્થીઓ ટેનશનમાં મૂકાઈ જાય છે. તેમના સમયનો વેડફાટ થાય એ જુદો. યુનિવર્સિટીમાં કોઇ વખત પેપર સેટર ખોટા પેપર તૈયાર કરે છે. તો કોઇક વખત સોફ્ટવેર જ આખે આખુ પેપર જ બદલી નાંખે છે. આજે બી.એસ.સી કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની બિઝનેસ સિસ્ટમની પરીક્ષા હતી. બપોરે 12.30 વાગ્યે ઓનલાઇન પરીક્ષા શરૂ થઇ ત્યારે  બિઝનેસ સિસ્ટમના બદલે સેમેસ્ટર-૩ નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. 


આમ, દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષાને કોઇને કોઇનું ગ્રહણ લાગી રહ્યુ છે. આમ ઓનલાઇન પરીક્ષા હોય કે પછી ઓફલાઇન પરીક્ષા એકવાર પ્રશ્નપત્રમાં ભૂલો થઇ હોય તો વિદ્યાર્થીઓનો સમય બગડે જ છે. અને યુનિવર્સિટીના સત્તાધીશોની આવી લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પહેલા જ ટેન્શનમાં આવી જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube