10 દિવસમાં સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં એટલો ભડકો થયો છે કે ગરીબોને ખરીદવુ મુશ્કેલ બન્યું
Edible oil price hike : મગફળીની આવક ન હોવાથી અને બજારમાં મગફળીની કિંમત ઊંચી હોવાથી સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ કપાસ બજારમાં ઊંચા ભાવે વેંચાતા ભાવ ઊંચકાયા છે
નવનીત લશ્કરી/રાજકોટ :ખાદ્યતેલના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. છેલ્લા 10 દિવસમાં ખાદ્ય તેલના ભાવમાં એટલો ભડકો થયો છે કે હવે લોકોને ઘરખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવવધારા પાછળ માર્કેટમાં કપાસ અને મગફળીની અછત જવાબદાર હોવાનું કહેવાય છે.
- સીંગતેલમાં 10 દિવસોમાં 75 રૂપિયાનો વધારો, 2730નો રૂપિયાનો ડબ્બો થયો
- કપાસ તેલમાં 10 દિવસોમાં 50 રૂપિયા વધ્યા, 2725 રૂપિયાનો ડબ્બો થયો
- પામોલીન તેલામાં 10દિવસોમાં 50 રૂપિયા વધ્યા, 2470 રૂપિયાનો ડબ્બો થયો
કપાસ, મગફળની અછતને કારણે ભાવ વધ્યા
માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની અછતના લીધે ભાવ વધ્યા હોવાનું અનુમાન છે. ધરખમ ભાવ વધારાથી કપાસિયા અને સિંગતેલના ભાવની એક સપાટીએ પહોંચ્યા છે..મહત્વનું છે પાકની અછત અને ચોમાસા પહેલાં બિયારણની ખરીદીના લીધે ભાવ વધારો થયો છે. ચોમાસામાં વાવેતર કરવા હાલ ખેડૂતો મગફળી બિયારણ લઈ રહ્યા છે. જો કે ખાદ્યતેલના ભાવ વધતા મધ્યમવર્ગના લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં PM એ કહ્યું, કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાકાથી બનાસકાંઠાના ખેડૂતોના નસીબ બદલાયા
સૌરાષ્ટ્રના ઓઈલ મિલ એસોસિયેશનના પ્રમુખ કિશોર વીરડિયાએ તેલના વધતા ભાવો વિશે જણાવ્યુ કે, તેલના ભાવમાં તેજી આવી છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીની આવક ઓછી છે. માર્કેટમાં મગફળી ઓછી હોવાથી તેલ નીકળતુ નથી. મગફળીનું વાવેતર વધે તે જરૂરી છે.
ખાદ્યતેલના વેપારીનું કહેવું છે કે, મગફળીની આવક ન હોવાથી અને બજારમાં મગફળીની કિંમત ઊંચી હોવાથી સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ કપાસ બજારમાં ઊંચા ભાવે વેંચાતા ભાવ ઊંચકાયા છે. એટલું જ નહીં રસિયા અને યુક્રેન યુદ્ધને કારણે સનફ્લાવર અને પામોલીન તેલની આયાત ઓછી છે. જેને કારણે ભાવ વધી રહ્યો છે.
ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થતું હોય છે પરંતુ આ વખતે મગફળીના ભાવ વધુ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં આવેલી સિંગતેલ અને કપાસિયાની મિલો 70 ટકા બંધ છે. માત્ર 30 ટકા જ મિલ ચાલુ છે. તો બીજી તરફ ગૃહિણીઓ પણ ખાદ્યતેલના ભાવ વધતા ઘરના બજેટ ખોરવાયા છે.