ગોધરા/ગુજરાત : એક તરફ સરકાર ભરતી મેળા યોજી બેરોજગાર યુવકોને રોજગારી મળતી હોવાનો દાવો કરે છે. ત્યારે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ ગોધરા ખાતે રહેતા અને ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવકે નોકરી ન મળતી હોવાના કારણે ગોધરામાં જ ફૂટપાથ પર બૂટ ચંપલ રિપેરીંગ સેન્ટર ચાલુ કર્યું છે. આ યુવકનું નામ ઓમવીર માંડરે છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષિત છતાં નોકરી ન મળી
યુવક ઓમવીર માંડરેએ કહ્યું કે, મેં ઇન્દોરથી બીકોમ કર્યું હતું, અને ગોધરાના અડાદરા ખાતેથી આઈટીઆઈનો અભ્યાસ કર્યો છે. મેં એપ્રેન્ટીસ માટે પંચમહાલ જિલ્લાના તમામ જગ્યાએ અરજીઓ કરી છે. ખાનગી કંપનીમાં પણ અરજીઓ કરી છે. મામલતદાર કચેરીમાં આવેલ રોજગાર કચેરીમાં પણ મારું નામ નોધાવ્યું છે, પણ મને ક્યાંય નોકરી મળી નથી. તેથી મેં ગોધરાના બામરોલી રોડ પર આવેલ ભવાનીનગર પાસે બૂટ ચંપલ રિપેરિંગ સેન્ટર શરૂ કર્યું છે. 


આ યુવકની ઉંમર 24 વર્ષ છે. નોકરી ન મળવાને કારણે તેને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે આવું કામ કરવું પડી રહ્યું છે. હાલ તે ગોધરામાં બૂટ-ચંપલ રિપેરીંગનો સ્ટોલ લગાવીને માસિક 6થી 8 હજારની આવક મેળવી રહ્યો છે. બી.કોમ ફાઇનલ સુધીનો અભ્યાસ અને ત્યારબાદ સારી એવી નોકરી મળી રહે તેના માટે કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલી ઔધોગિક તાલીમ સંસ્થામાં કોમ્પ્યુટરનો પણ અભ્યાસ કર્યો છે. તે નાનપણથી જ ગોધરામાં પોતાના મામાના ઘરે રહે છે. અભ્યાસ બાદ તેણે સરકાર દ્વારા યોજવામાં આવતા ભરતી મેળામાં અનેક વખત નોકરી મેળવવા માટે પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ સરકારના આટલા આટલા ભરતી મેળા થયા હોવા છતાંય રોજગારીની તકો ઉભી ન થઈ હતી. સરકાર દ્વારા કરવામાં આવતા ભરતી મેળાઓને આ યુવાનની દુકાને આવતા યુવાનો પણ વખોડી રહ્યા છે. 


રાજ્યની સરકાર દ્વારા અનેક દાવા કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં બેરોજગારી નથી અને ભરતી મેળાઓ યોજીને યુવાનોને નોકરી આપવામાં આવી રહી છે તેવી આ ભાજપ સરકાર કહી રહી છે ત્યારે ગોધરાના બીકોમ અને આઈ ટી આઈ થયેલા આ યુવકને અનેક ભરતી મેળામાં અરજીઓ કર્યા પછી પણ નોકરી ન મળતા હાલ તેણે મોચીકામ કરવાનું ચાલુ કર્યું છે . જે બતાવે છે કે ગુજરાતમાં ભરતી મેળાઓ થકી કેટલાને નોકરી મળે છે. આમ, એક શિક્ષિત બેરોજગાર યુવકનું નોકરી કરવાનું સપનુ રગદોળાયુ હતું.