હાલ 3 મહિના સુધી વાલીઓ ફી નહીં ભરે તો ચાલશે, પણ સપ્ટેમ્બરમાં તમામ ફી ભરવી પડશેઃ શિક્ષણમંત્રી
કોરોના સંકટના કારણે શાળાઓ હજુ પણ બંધ છે. ત્યારે સરકાર દ્વારા શાળાઓને ફી લેવાની મનાઈ કરાઇ છે. તેમ છતાં વાલીઓ પર ખાનગી શાળાઓ ફી માટે દબાણ કરી રહી છે. ત્યારે આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી.
શિક્ષણ વિભાગની બેઠકમાં શાળા-કોલેજો શરૂ કરવા અને ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફીની વસૂલી અંગે ચર્ચા થઇ હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે,
ખાનગી શાળાઓ સામે સરકારે ઢીલી નીતિ રાખી રહી હોય તેવું વલણ જણાઇ રહ્યું છે. શાળાઓ બંધ હોવા છતાં ત્રણ મહિનાની ફી વાલીઓને ભરવી પડશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સપ્ટેમ્બર મહિના સુધી વાલીઓએ ફી ભરવી પડશે. સપ્ટેમ્બર મહિનાની ફી ભરશો તો ચાલશે. આ સિવાય જે કોઇ વાલી માસિક હપ્તાથી ફી ભરી શકશે. જોકે એમ પણ કહ્યું કે, જો કોઇ વાલી હાલ ફી ભરી શકે તેમ ના હોય તો તેના પર હાલ 3 મહિના સુધીની ફી માટે શાળાઓ દબાણ ન કરી શકે.
સાથે સાથે શિક્ષણમંત્રી લોકોને ઉઠા ભણાવી રહ્યાં હોય તેમ કહે છે કે અમે આ વર્ષે ફીમાં વધારો નહીં કરીએ. ચાલુ વર્ષની ફીમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. 15 ઓગસ્ટ સુધી રાજ્યની શાળાઓ બંધ રહેશે. ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરી શકાશે. એટલે શું શિક્ષણમંત્રી ફીમાં વધારો નહીં કરીને વાલીઓ પર ઉપકાર કરી રહ્યાં છે કે પછી ખાનગી શાળાઓની તરફદારી. જો ત્રણ મહિના સુધી શાળાઓ બંધ રહેવાની હોય તો પછી વાલીઓને ફી ભરવા માટે કેમ આદેશ કર્યો છે.