Gujarat Government Jobs: ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે ZEE 24 કલાક પર મોટા સમાચાર. ZEE 24 કલાકની શિક્ષા કૉન્કલેવમાં ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મોટી જાણકારી આપી છે. ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઈન્ટરવ્યૂમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સાડા સાત હજાર શિક્ષકોની કાયમી ભરતી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન પડશે બહાર
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેમ છતાં શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન બહાર કેમ નથી આપડાવમાં આવ્યું. આ મુદ્દે શિક્ષણમંત્રીએ ઝી 24 કલાક પર જવાબ આપતાં કહ્યું કે ભરતીના નિયમો અને ભરતી પ્રક્રિયામાં સુધારા બાદ તરત જ કાયમી શિક્ષકોની ભરતી શરૂ થશે. તો શિક્ષક ભરતીની કાગડોળે રાહ જોઈને બેઠા ઉમેદવારો માટે સારા સમાચાર એ છે કે ટાટ-1 અને ટાટ-2 બાદ ટેટ-1 અને ટેટ-2ની ભરતી પણ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર.



'પેપર લીકમાં ભાજપ નેતાની સંડોવણી નથી'
બીજી બાજુ, આખા દેશને હચમચાવી મૂકનારા નીટ પેપર લીક કેસમાં કોંગ્રેસે ગુજરાત ભાજપના નેતાઓ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ગોધરાની જલારામ સ્કૂલમાં નીટનું પેપર લીક થયું હોવાના આરોપો બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતાઓ સાથે દીક્ષિત પટેલના ફોટો જાહેર કર્યા છે. દીક્ષિત પટેલ જલારામ સ્કૂલનો ચેરમેન છે અને CBI તેની પૂછપરછ કરી રહી છે. 


'કોઈની સાથે ફોટો હોય તો ભાજપના નેતા દોષિત સાબિત ન થઈ જાય'
કોંગ્રેસના આરોપો પર ZEE 24 કલાકની શિક્ષા કૉન્કલેવમાં ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે. ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઈન્ટરવ્યૂમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ,કોઈની સાથે ફોટો હોય તો ભાજપના નેતા દોષિત સાબિત ન થઈ જાય. આ સાથે જ તેમણે કહ્યું કે જો નીટ પેપર લીક કેસમાં ભાજપનો નાનો કે મોટો કોઈ પણ નેતા દોષિત હશે તો બચી નહીં શકે. 



'NEET પેપર લીક કેસમાં મોદી સાહેબ કોઈને નહીં છોડે'
ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, NEET પેપર લીક કેસમાં મોદી સાહેબ કોઈને નહીં છોડે. ZEE 24 કલાકની શિક્ષા કૉન્કલેવમાં  રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વાત કહી છે.