બારડોલીથી એકતા યાત્રાનો પ્રારંભ, પ હજાર ગામોમાં ફેલાવશે એકતાનો સંદેશ
આગામી ૩૧ ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે. તેમણે આ વિરાટ પ્રતિમાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના રાષ્ટ્ર એકતાના યોગદાનને વિશ્વભરમાં પ્રચલિત કર્યુ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
બારડોલી: સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ ૧૦ હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે. વિજય રૂપાણીએ આ એકતા યાત્રા ગામે-ગામ હરેક નાગરિકમાં દેશની એકતાના ભોગે કાંઇ નહિ નો સંકલ્પ સાકાર કરી દેશ હિત-રાષ્ટ્ર હિત ને જ સર્વોપરિ બનાવશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં એકતા યાત્રા ‘લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશન’ની પ્રેરક બનશે.
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગામી ૩૧ ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે. તેમણે આ વિરાટ પ્રતિમાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના રાષ્ટ્ર એકતાના યોગદાનને વિશ્વભરમાં પ્રચલિત કર્યુ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. સરદાર સાહેબે પ૬ર રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેનું સ્મરણ વંદન કરતાં જણાવ્યું કે જો સરદાર સાહેબ ન હોત તો આજે દેશનો નકશો જ જુદો હોત. રજવાડાઓ જો એક ન થયા હોત તો જૂનાગઢ કે હૈદરાબાદ જવા આજે પણ વીઝા લેવા પડતા હોત.
સરદાર સાહેબની કૂનેહ-મક્કમ મનોબળ અને સમજાવટથી બધા રજવાડાઓ ભારતમાં વિલીન થયા અને કચ્છથી ગૌહતી કાશ્મીરથી કન્યાકુમારી એક-અખંડ રાષ્ટ્ર ભારત બન્યું છે તેમ પણ સરદાર સાહેબને આદરાંજલિ આપતાં તેમણે જણાવ્યું હતું. આ સંદર્ભમાં કહ્યું કે, આજે સૌ કોઇમાં જાતિ-પાતિ-કોમ-ધર્મના ભેદથી ઉપર ઉઠી પહેલાં ભારતીયતાનો અને મા-ભારતીનો જયકાર કરીને રાષ્ટ્ર હિત સર્વોપરિના ભાવ સાથે આ એકતા યાત્રાના ૬૦ રથ ગામોમાં ફરશે. એકતાના સૌ સામૂહિક શપથ લેશે.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સરદાર સાહેબનું જીવન-ઇતિહાસ દુનિયા જાણે સમજે તથા આજની પેઢી સરદાર સાહેબના જીવન આદર્શોથી પરિચિત થાય તે માટે આ યાત્રા સક્ષમ માધ્યમ બનશે. તેમણે સરદાર સાહેબે સોમનાથ મંદિરનો પુનરોધ્ધાર કરાવીને અપીઝમેન્ટની રાજનીતિથી ઉપર ઉઠી સાંસ્કૃતિક એકતા ઊજાગર કરી છે. સરદાર સાહેબે ખેડૂતો માટે પોતાનું જીવન સમર્પિત કરેલું. ખેડૂતોની લગાન સામેની લડત-સત્યાગ્રહના ઐતિહાસિક નગર બારડોલીથી ગુજરાત સરકારે ખેડૂતોને ખેત ઉત્પાદન માટે સૂર્યશકિત ઊર્જા ખેતરમાં જ પેદા કરવા અને વધારાની વીજળી વેચી આવક મેળવવા ‘સ્કાય’ સૂર્યશિક્ત કિસાન યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.
તેમણે ગૌરવ સહ કહ્યું કે, સમગ્ર ભારતમાં ખેડૂતો માટે સૂર્યશકિતથી ખેતી માટે ઊર્જા અને વધારાની વીજળીના વેચાણથી આર્થિક સમૃધ્ધિની આ ‘સ્કાય’ યોજના ગુજરાતની આગવી પહેલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને ‘જગતનો તાત રૂવે દિન રાત’ની દયનીય સ્થિતિમાંથી બહાર લાવવા સંકલ્પબદ્ધ છે તેની ભૂમિકા આપી હતી. તેમણે એમ પણ જાહેર કર્યુ કે, આઝાદી પછી દેશના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર શેરડીની પણ ટેકાના ભાવે ખરીદી નવેમ્બર માસથી કરશે.
ભૂતકાળમાં ટેકાના ભાવે કોઇ ખરીદી કોંગ્રેસ સરકારોએ કરી નહિ. એટલું જ નહિ, પાક વીમાના નામે ખેડૂતોને ગોળીઓ-લાઠી આપેલી-આ સરકારે રૂા. છ હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરી છે. આ સરકાર ખેડૂત સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો શહેરો સમૃદ્ધ અને સૌ સમાજ સમૃદ્ધ એવા ખેડૂત હિત ભાવથી કાર્યરત છે. મુખ્યમંત્રીએ દેશ માટે સમર્પિત થનારા બધા મહાપુરૂષોનું કતૃત્વ-નેતૃત્વ અને સમર્પણ દેશની ભાવિ પેઢી માટે મહત્વપૂર્ણ બની રહે, ઇતિહાસ જીવંત રહે તે માટે તેને સાચા પરિપ્રેક્ષ્યમાં લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનો સરકારનો ધર્મ છે તેમ સાફ શબ્દોમાં જણાવ્યું હતું.
તેમણે ગાંધીજી, સરદાર સાહેબ, ડૉ. આંબેડકર, વીર સાવરકર જેવા રાષ્ટ્ર પુરૂષોના જીવન ઇતિહાસને ઇરાદાપૂર્વક વિસારે પાડી દેવાના અને એક જ પરિવાર-વંશની પ્રશસ્તિ કરવાના ભૂતકાળની સરકારોના પ્રયાસોની આલોચના કરી હતી. રૂપાણીએ એકતા રથયાત્રા એકતા અખંડિતતા, રાષ્ટ્ર ભાવ અને સરદાર સાહેબના જીવન સંદેશને ઘર-ઘર સુધી પહોચાડશે તેવો વિશ્વાસ પણ ‘‘એક ભારત-શ્રેષ્ઠ ભારતના’’ લોક નારાઓ વચ્ચે રથ પ્રસ્થાન કરાવતાં વ્યકત કર્યો હતો.
એકતાયાત્રા પ્રારંભ અવસરે સાંસદ સી.આર.પાટીલ, પ્રભુ વસાવા, દર્શનાબેન જરદોશ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિતીબેન પટેલ, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત મહાનભાવો, ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.