ગુજરાતમાં ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચ બન્યું હાઈફાઈ! ગુજરાતની ચૂંટણીમાં 50 ટકા મથકો પર લાગશે વેબ કેમેરા
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી હતી. આ દરમિયાન ટીમે તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડા સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમની સાથે આ વખતે મુખ્ય ચૂંટણી કમિશન પર ગુજરાત આવ્યા હતા.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આજે ગુજરાતના 2 દિવસના કેન્દ્રિય ચૂંટણી પંચના પ્રવાસ અંગે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ચૂંટણીને વિગતવાર માહિતી આપી રહ્યા છે.
ગુજરાત પ્રવાસ અંગે કેન્દ્રિય ચૂંટણી પંચ LIVE:
આગામી ચૂંટણી માટેની તૈયારીઓ માટે આજે ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 12 ફેબ્રુઆરીએ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થશે. ત્યારે થનારી ચૂંટણી અંગે અમે બે દિવસીય ગુજરાત પ્રવાસમાં દરેક જિલ્લાની ચૂંટણી વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. જેમાં અમે 80થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ અને યુવા મતદારોને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરી રહ્યા છે.
રાજ્યમાં 4.83 કરોડ મતદારો
ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજ્યમાં 4.83 કરોડ મતદારો છે. જેમાં પુરુષ મતદારો 2.50 કરોડ, મહિલા મતદાર 2.33 કરોડ, 100 વર્ષથી વધુના 11,842 મતદારો, 80 વર્ષથી વધુ વયના 10.86 લાખ મતદાર અને દિવ્યાંગ મતદારો 4.13 લાખ જેટલા છે. દર હજાર પુરુષ મતદારોએ 943 મહિલા મતદારો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. જેમાં સામાન્ય બેઠકો 142, SC બેઠકો 13 અને ST બેઠકો 27 છે.
10 ઓક્ટોબરે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે
પંચે જણાવ્યું હતું કે, 10 ઓક્ટોબરે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્યમાં થનારી ચૂંટણીમાં કુલ 51782 કુલ મતદાન મથકો છે. જેમાં સરેરાશ 934 મતદારો છે. શહેરી મતદાન મથકો 17,506, ગ્રામ્ય મતદાન મથકો 34276 છે.
દરેક વિધાનસભામાં એક મોડલ મતદાન
તેમણે જણાવ્યું હતું કે, દરેક વિધાનસભામાં એક મોડલ મતદાન મથક બનશે. આ વર્ષે થનારી ચૂંટણીના મતદાનમાં ઓછામાં ઓછા 50% મતદાન મથકો પર વેબ કેમેરા લાગશે. નિષ્પક્ષ, શાંતિ પૂર્ણ અને સુરક્ષા પૂર્ણ માહોલમાં મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 બુથ મહિલા સંચાલિત હશે. પોલીસ સુરક્ષાકર્મીઓ પણ મહિલા હશે. એક બુથ દિવ્યાંગ સંચાલિત હશે. 80 વર્ષથી વધુના મતદારો પોતાના ઘરેથી મતદાન કરી શકશે તેવી સુવિધા આ વર્ષે ચૂંટણી પંચ અપાશે. વરિષ્ઠ નાગરિકોના સન્માનમાં આ નિર્ણય કરાયો છે.
100 મિનિટમાં પંચ કાર્યવાહી કરશે
ચૂંટણી પંચે જણાવ્યું કે, આ વખતની ચૂંટણીના મતદાનમાં વીડિયોગ્રાફી પણ થશે અને રાજકીય પક્ષોના એજન્ટ અને ઉમેદવારો હાજર રહી શકશે. નાગરિકોના સહયોગથી નિષ્પક્ષ ચૂંટણી યોજીશું નાગરિકો પોતાના વિસ્તારમાં ચાલતી અયોગ્ય પ્રવૃતિઓનો વીડિયો કે ફોટો વિગતો સાથે ચૂંટણીપંચની એપ્લીકેશન પર અપલોડ કરી શકશે. પરંતુ તેમની ઓળખ છતી કરવામાં આવશે નહીં, એટલે કે નાગરિકોની ઓળખ ગુપ્ત રખાશે. તેમણે આપેલી વિગતના આધારે 100 મિનિટમાં પંચ કાર્યવાહી કરશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં ચૂંટણીલક્ષી માહિતી મેળવ્યા બાદ ગઈકાલે (સોમવાર) અમે રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી હતી. તેમના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે BSP, BJP, NCP, CPI અને કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ વખતની ચૂંટણીના મતદાનમાં નાગરીકોને હેરાનગતિ ન થાય તેનું પણ ધ્યાન રાખીશું. રોકડના મામલામાં રાજ્ય પોલીસ વડા, જિલ્લા પોલીસ વડાને સૂચના આપી છે.
મતદાનનો સમય 1 કલાક વધારવા અંગે ચર્ચા
પંચે જણાવ્યું છે કે, ચૂંટણીના મતદાનનો સમય 1 કલાક વધારવા અંગે ચર્ચા થઈ છે. આખરી મતદાર યાદી બાદ આ અંગે નિર્ણય કરીશું. કોઈ પણ ખાનગી વ્યક્તિઓને ચૂંટણી વ્યવસ્થામાં જોડવામાં નહીં આવે. ખાનગી બંગલામાં કોઈ મતદાન મથક ન હોય તેનું ધ્યાન રખાશે.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો અંગે
ચૂંટણી પંચે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો અંગે જણાવ્યું હતું કે, ચૂંટણી લડવાનો દરેકને અધિકાર છે. કોઈ પણ ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ હોઈ શકે છે. તેમણે ઓછામાં ઓછા 3 વાર પોતાના ગુનાઓ અંગે જાહેરાત કરવી પડશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ આ જાહેરાત કરવાની રહેશે. KYC એપ્લીકેશન પર આ અંગે માહિતી ઉપલબ્ધ રહેશે.
ગુનાહિત ઈતિહાસ વાળો ઉમેદવાર ઊભો રાખ્યો તેની જાણકારી આપવી પડશે
રાજકીય પક્ષોએ પણ આ અંગે જાહેરાત આપવી પડશે કે આ વિધાનસભા બેઠક પર તેમણે કેમ ગુનાહિત ઈતિહાસ વાળો ઉમેદવાર ઊભો રાખ્યો. 500 કર્મચારીઓથી વધુ વાળી કંપનીઓએ કે જેમણે કર્મચારીઓને રજા આપી છે તેઓ પોતાના કર્મચારીઓ પાસેથી એ વિગત પણ મેળવે કે તેમણે મતદાન કર્યું કે નહીં.
દારૂ મળવાની વિગત આવી તો તાત્કાલિક તપાસ
પંચે જણાવ્યું હતું કે, પ્રલોભન મુક્ત ચૂંટણીઓ અંગે તૈયારી કરી છે. ચૂંટણીના સમયે કયાંય પણ દારૂ મળવાની વિગત આવી તો તેમની સામે તપાસ થશે. સરહદી જિલ્લાઓમાંથી દારૂ કેવી રીતે પસાર થઈ ગયો તેનો અધિકારીઓએ જવાબ આપવો પડશે. ડ્રગ્સ અંગે પણ આ અંગે ધ્યાન રખાશે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર
ચૂંટણી પંચે ઉમેર્યું હતું કે, અમે જ્યારે પણ ચૂંટણીઓ જાહેર કરીશું ત્યારે પહેલા પત્રકારોને જાણ કરીશું. અમારા આવ્યા પહેલા જ કેટલા "સ્વ નિયુક્ત જ્યોતિષી" એ તારીખો જાહેર કરી છે જે ઠીક નથી. તારીખો અમારે જાહેર કરાવાની છે અને તેની જાણ સૌથી પહેલા પત્રકારોને થશે.ૉ
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી હતી. આ દરમિયાન ટીમે તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડા સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમની સાથે આ વખતે મુખ્ય ચૂંટણી કમિશન પર ગુજરાત આવ્યા હતા. ટીમ જિલ્લાઓના કલેક્ટર અને પોલીસ વડાઓની સાથે મતદાર યાદી, મતદાર મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સાથે જ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાનાઓ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. સાથે જ સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચના 9 સભ્યોનું ડેલિગેશન 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી હતી. જેમાં મતદાર યાદી સુધારણા સહિતના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube