Gujarat Elections 2022​ બ્રિજેશ દોશી/ગાંધીનગર :યુપી કેડર ના IAS અધિકારી અભિષેક સિંઘને ગુજરાતની ચૂંટણી લક્ષી જવાબદારીથી દૂર કરાયા છે. ગુજરાતમાં ચૂંટણી-નિરીક્ષક તરીકેના પોસ્ટિંગના ફોટા અભિષેક સિંઘે સોશિયલ મીડિયામાં શેર કરતા ચૂંટણીપંચે તેમને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખની છે કે, અભિષેક સિંહ, યુપી કેડરના 2011ની બેચના IAS અધિકારી છે, જેમને ગુજરાતમાં બાપુનગર અને અસારવા વિધાનસભા વિસ્તારના સામાન્ય નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિષેક સિંહે શેર કરી હતી તસવીર
અભિષેક સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેને કારણે વિવાદ ઉઠ્યો હતો. તેમણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, ગુજરાતની ચૂંટણીમાં તેમને નિરીક્ષકની ભૂમિકા આપવામાં આવી છે. સાથે જ તેમણે ઓર્બ્ઝર્વરની ગાડી સાથેની તસવીર પણ શેર કરી હતી. જવાબદારીને પબ્લિસિટી સ્ટંટ તરીકે ઉપયોગમાં લેવાતા ચૂંટણી પંચે તેમને ફરજમાંથી બરતરફ કર્યાં છે. 


ચૂંટણી પંચનો આદેશ
ચૂંટણી પંચે આદેશમાં કહ્યું કે, ખૂબ જ ગંભીર દૃષ્ટિકોણ લઈને ECIએ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને કહીને સિંઘને જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજોમાંથી તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું છે અને આગામી આદેશો સુધી ચૂંટણી સંબંધિત કોઈપણ ફરજમાંથી દૂર રાખવા જણાવ્યું છે. અને રાજ્યને તરત જ છોડવાનું કહ્યું છે.



હવે કોને આપી જવાબદારી
અભિષેક સિંઘને ફરજમાંથી દૂર કરાતા કર્ણાટક કેડર 2010 બેચના IAS અધિકારી ક્રિશન બાજપાઈને જવાબદારી સોંપાઈ છે. ક્રિશન બાજપાઈ હવે અમદાવાદ જિલ્લામાં આવેલા બાપુનગર અને અસારવાના ઓબ્ઝર્વરની ફરજની પણ દેખરેખ કરશે.


પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે થશે રાજકીય જંગ
આજે રાજ્ય ચૂંટણી પંચે મહત્વની જાણકારી આપતા કહ્યું કે, પ્રથમ તબક્કાની 89 બેઠક પર 788 ઉમેદવારો વચ્ચે જંગ થશે. જેમાં લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવાર મેદાને છે. લિંબાયતમાં 3 બેલેટ યુનિટનો ઉપયોગ થશે. દિવ્યાંગોને વાહન અને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે. મતદાન કેન્દ્રના 100 મીટરમાં મોબાઈલ પર પ્રતિબંધ છે. 'પોલીસ સિવાય કોઈ વ્યક્તિ મોબાઈલ રાખી શકશે નહિ. અત્યાર સુધી 8 કરોડથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 61 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તો 8 કરોડનું સોનું અને ચાંદી ઝડપી પાડવામાં આવ્યું છે. વિધાનસભાની પ્રથમ તબક્કાની ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૪ નવેમ્બર હતી.