સરપંચની ચૂંટણીઃ પરિણામ જાહેર થતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દાવા યુદ્ધ
અમદાવાદઃ ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષોના ચિન્હ પર લડવામાં આવતી નથી. તેમ છતા આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ ભાજપ કોંગ્રેસ વચ્ચે દાવાઓનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. જ્યારે પણ સરપંચની ચૂંટણી હોય ત્યારે બંન્ને પાર્ટીઓ મોટા-મોટા દાવાઓ કરવામાં વ્યસ્ત બની જાય છે. હાલમાંજ રાજ્યમાં ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીનું મંગળવારે (6 ફેબ્રુઆરી) પરિણામ જાહેર થયું હતું. આ પરિણામ જાહેર થતા કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે 70 ટકા સરપંચ કોંગ્રેસની વિચારધારા વાળા ચૂંટાયા છે. તો બીજી તરફ ભાજપે દાવો કર્યો કે 80 ટકા સરપંચ અમારી વિચારધારાવાળા ચૂંટાયા છે. કોંગ્રેસ પાર્ટીએ આ દાવા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કોંગ્રેસે તર્ક આપ્યો કે, રાજ્યમાં બે વર્ષ પહેલા જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 23 જિલ્લા પંચાયત અને 146 તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો. વિધાનસભા-2017ની ચૂંટણીમાં 80 ટકા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો વિજયી થયા હતા. જેની અસર હેઠળ 70 ટકા કોંગ્રેસના વિચારધારાવાળા સરપંચ ચૂંટાયા છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 80 ટકા સરપંચો જીત્યાનો દાવો કરતી પાર્ટીના કાર્યાલયે એકપણ સરપંચ આવ્યા ન હતા.