ડ્રગ્સ ટેસ્ટમાં દવાઓ ફેલ ગયા બાદ ગુજરાતી કંપનીઓ વરસી પડી, આ પાર્ટીને આપ્યા કરોડો રૂપિયા
ભારતમાં દવા, સારવાર અને મેડિકલ સુવિધાઓની વધતી કિંમતો કોઈ છુપાયેલી વાત નથી. પરંતુ જો કોઈ ફાર્મા કંપનીની દવાઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થાય તો તે ગંભીર વાત છે. તેનાથી પણ ચોંકાવનારી વાત છે કે જે કંપનીઓની દવા ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હોય અને તેણે કરોડો રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હોય તો... ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યાં બાદ તેનું વિશ્લેષણ કરતા આ તથ્યો સામે આવ્યા છે.
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટરોલ બોન્ડ સાથે જોડાયેલો તમામ ડેટા ચૂંટણી પંચને સોંપી દીધો હતો. ચૂંટણી પંચ દ્વારા આ ડેટા પોતાની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે. દેશની અનેક કંપનીઓએ રાજકીય પાર્ટીઓને કરોડો રૂપિયાનું ફંડ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપ્યું છે. આ વચ્ચે ડેટામાં સામે આવેલી વિગત પ્રમાણે 23 ફાર્મા કંપનીઓ અને એક સુપર સ્પેશિલિટી હોસ્પિટલે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 762 કરોડનું દાન રાજકીય પાર્ટીઓને આપ્યું છે. જેમાં ગુજરાતની કેટલીક ફાર્મા કંપનીઓ સામેલ છે.
BBC ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતની કેટલીક ફાર્મા કંપનીઓના નામ સામે આવ્યા છે, જેણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને મોટી રકમ આપી છે. પરંતુ અહીં એક ચોંકાવનારી વિગત સામે આવી કે જે દવા કંપનીઓઓએ કરોડો રૂપિયાના બોન્ડ ખરીદી રૂપિયા રાજકીય પાર્ટીઓને દાનના રૂપમાં આપ્યા છે તે કંપનીઓની કેટલીક દવાઓ ટેસ્ટમાં ફેલ ગઈ છે. એવી ગુજરાતી કંપનીઓ પણ છે, આવો આ કંપનીની વિગતો જાણીએ..
1. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ લિમિટેડ
ટોરેન્ટ ફાર્મા કંપનીનું મુખ્યાલય અમદાવાદમાં છે. વર્ષ 2018થી 2023 વચ્ચે આ કંપનીએ બનાવેલી ત્રણ દવાઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. આ દવાઓ હતી ડેપ્લેટ એ 150, નિકોરન આઈવી 2 અને લોપામાઈડ. ડેપ્લેટ એ 150 હાર્ટ એટેક આવવાથી બચાવે છે અને નિકોરન આઈવી 2 હાર્ટમાં દબાણ ઘટાડે છે. લોપામાઇડનો ઉપયોગ ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના ઝાડાની સારવાર માટે થાય છે. આ કંપનીએ 7 મે 2019થી 10 જાન્યુઆરી 2024 વચ્ચે 77.5 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. આ 77.5 કરોડ રૂપિયામાંથી 61 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યા હતા. સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાને આ કંપનીએ 7 કરોડ અને કોંગ્રેસને 5 કરોડ રૂપિયા આપ્યા હતા.
2. સિપ્લા લિમિટેડ
સિપ્લા લિમિટેડ ગુજરાતી કંપની છે પરંતુ તેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. વર્ષ 2018થી 2023 વચ્ચે આ કંપનીએ બનાવેલી જ દવાઓ સાત વખત ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. ડ્રગ ટેસ્ટમાં ફેલ થનારી દવાઓમાં આરસી કફ સિરપ, લિપવાસ ટેબલેટ, ઓન્ડેનસેટ્રોન અને સિપરેમી ઈન્જેક્શન સામેલ છે. સિપરેમી ઈન્ડેક્શનમાં રેમડેસિવિર દવા હોય છે, જેનો ઉપયોગ કોરોનાની સારવારમાં કરવામાં આવે છે. લિપવાસનો ઉપયોગ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને હાર્ટના રોગોના ખતરાને ઘટાડવામાં કરવામાં આવે છે. ઓન્ડેનસેટ્રોનનો ઉપયોગ કેન્સર કીમોથેરેપી, રેડિએશન થેરેપી અને સર્જરીને કારણે થનાર ઉલ્ટીને રોકવા માટે કરવામાં આવે છે. આ કંપનીએ કુલ 39.2 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. તેમાંથી 37 કરોડ ભાજપ તો 2.2 કરોડ કોંગ્રેસને આપ્યા હતા.
3. સન ફાર્મા
સનફાર્મા લેબોરિટરીઝનું મુખ્યાલય મુંબઈમાં છે. વર્ષ 2020 અને 2023 વચ્ચે છ વખત આ કંપનીએ બનાવેલી દવાઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. ટેસ્ટમાં ફેલ થનારી દવાઓમાં કાર્ડીવાસ, લૈટોપ્રોસ્ટ, આઈ ડ્રોપ્સ અને ફ્લેક્સુરા ડી સામેલ છે. કાર્ડિવાસનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત છાતીમાં દુખાવો (એન્જાઇના) અને હૃદયની નિષ્ફળતાની સારવાર માટે થાય છે. 15 એપ્રિલ 2019 અને 8 મે 2019ના આ કંપનીએ કુલ 31.5 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. આ બધા બોન્ડ ભાજપને આપ્યા હતા.
4. ઝાયડસ હેલ્થકેર લિમિટેડ
વર્ષ 2021માં બિહારના ડ્રગ રેગુલેટરે આ કંપની દ્વારા બનાવવામાં આવેલી રેમડેસિવિર દવાઓની એક બેચમાં ગુણવત્તાની કમીની વાત કહી હતી. રેમડેસિવિરનો ઉપયોગ કોરોનાની સારવારમાં ખુબ કરવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબર 2022 અને 10 જુલાઈ 2023 વચ્ચે આ કંપનીએ 29 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. તેમાંથી 18 કરોડ રૂપિયા ભાજપને, 8 કરોડ રૂપિયા સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા અને 3 કરોડ કોંગ્રેસને આપ્યા હતા.
6. ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ
ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સનું મુખ્યાલય અમદાવાદમાં છે. જુલાઈ 2020માં આ કંપનીએ બનેવેલી દવા એનાપ્રિલ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. એનાપ્રિલનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ ફેલિયરની સારવાર માટે કરવામાં આવે છે. આ દવાને હાર્ટ એટેક આવ્યા બાદ આપવામાં આવે છે. આ કંપનીએ 10 ઓક્ટોબર 2022ના 20 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. આ બધા પૈસા ભાજપને આપ્યા હતા.
7. અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ
અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સનું મુખ્યાલય વડોદરામાં છે. આ કંપનીએ 10 નવેમ્બર 2022 અને 5 જુલાઈ 2023 વચ્ચે 10.5 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. આ બધા બોન્ડ ભાજપને આપ્યા હતા.