વાતાવરણ ડહોળનારા તત્વોની તુરંત ધરપકડ કરાઇ, રાજ્યમાં પરપ્રાંતીયોને પૂરતી સુરક્ષા અપાશે
રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે. પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે.
રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે.
ગુજરાત અને ગુજરાતીઓની આ વિશેષતા છે કે, તેમણે અન્ય રાજ્યના લોકોને પોતીકા ગણ્યા છે. ત્યારે, સૌ નાગરિક ભાઇઓ બહેનોને મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે રાજ્યમાં સૌ કોઇ ભાઇચારા અને શાંતિનો માહોલ બનાવી રાખે.