ઘરની બહાર નિકળો તો તમારૂ ધ્યાન રાખજો, ગુજરાતના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય, કમરતોડ ખાડાથી પરેશાન જનતા
ગુજરાતમાં થોડો વરસાદ શું પડ્યો તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલી પડી ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ રોડમાં મોટા-મોટા ખાડાઓ પડવા લાગ્યા છે. તંત્રના પાપે જનતાના પૈસા પણ પાણીમાં વહી ગયા છે. એટલે તમે પણ બહાર નિકળો તો આ ખાડાનું ધ્યાન રાખજો..
અમદાવાદઃ મેઘ તાંડવ બાદ રાજ્યના રસ્તાઓની હાલત તો જાણે ખસ્તા થઈ ગઈ છે. તમે જો ભૂલથી આવા રસ્તા પર નીકળ્યા તો તમારા કમરના હાડકા અને વાહનોના સ્પેર પાર્ટ્સ તૂટવાનું નક્કી છે. ત્યારે કમરતોડ ખાડાથી કેટલી પરેશાન છે જનતા, જોઈએ આ અહેવાલમાં..
જો તમે ઘરમાંથી બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હેલમેટ પહેરવાનું તો ખાસ ભૂલતા નહીં. આવું અમે તમને ટ્રાફિક દંડથી બચવા માટે નહીં પરંતુ રાજ્યના રસ્તાઓ પર પડેલા ખાડાઓથી બચવા માટે કહી રહ્યા છે. જીહાં, મેઘરાજાએ રાજ્યભરમાં બોલાવેલી ધડબડાટીથી રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. પરંતુ રસ્તાઓની આવી હાલત માટે એકલા મેઘરાજા જ જવાબદાર નથી. તંત્રના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે પણ રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે.
સૌથી પહેલાં મેગાસિટી અમદાવાદની હાલત જોઈ લો... શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય. દરેક વિસ્તારની એવી હાલત છે કે તમારા કમરના હાડકા ખોખલા થઈ જાય. દર વખતે રસ્તાઓ બનાવવા માટે AMC મસમોટું બજેટ ફાળવીને રોડ બનાવે છે, ક્યાંક સમારકામ પણ કરે છે પરંતુ અંતે એક વરસાદ આવે એટલે રસ્તાઓ તો જાણે ગાયબ જ થઈ જાય છે. અને આ રસ્તાઓના કારણે માત્ર લોકોના હાડકા નહીં વાહનોના સ્પેર પાર્ટ્સ પણ ઢીલા થઈ જાય છે.
આ પણ વાંચોઃ હજુ ખતરો ટળ્યો નથી, આગામી પાંચ દિવસ આ જિલ્લામાં એલર્ટ, જાણો તારીખો સાથે નવી આગાહી
એવું નથી માત્ર મેગાસિટી અમદાવાદની જ આવી હાલત છે. ડાયમંડ સિટી સુરત શહેરમાં પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. અઠવાગેટના મુખ્ય રસ્તાની હાલત તો એવી થઈ ગઈ છે કે લોકો વગર ડીજેએ ડાન્સ કરતા થઈ ગયા છે. એક તરફ મેટ્રોની કામગીરીથી ટ્રાફિક જામ હોય છે બીજી તરફ કમરતોડ ખાડા લોકોની હાલાકી વધારી રહ્યા છે.
રાજ્યભરમાં પડેલા કમરતોડ ખાડાના કારણે લોકોને પડી રહેલી હાલાકીનો અહેવાલ ZEE 24 કલાક સતત દેખાડી રહ્યુ છે. ત્યારે અમારા અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડતાં ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૂટેલા રસ્તાઓને લઈને સરકારી અધિકારીઓએ ખખડાવ્યા હતા. જેથી સીએમના ઠપકા બાદ જાગેલું સ્થાનિક તંત્ર હવે તાબડતોબ રાજ્યમાં તૂટેલા રસ્તાઓ રિપેર કરવામાં લાગી ગયું છે.