નવા નિશાળીયા `દાદા`ની સરકારની વધારી રહ્યાં છે મુશ્કેલીઓ, લેશનમાં કાચા પડ્યા
આખરે એવા પ્રશ્નો પૂછી રહ્યાં છે જેને કારણે સરકાર ભરાઈ રહી છે. એટલે જ વિપક્ષની સંખ્યા ભલે ઓછી હોય પણ આ નેતાઓ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યાં છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ભાજપ ભલે રેકોર્ડબ્રેક જીતના દાવાઓ કરે પણ નવા નિશાળીયાઓ ભાજપની મુશ્કેલી વધારી રહયાં છે. ભાજપે આ માટે પાઠશાળા પણ યોજી છતાં નવા સવા ધારાસભ્યો હજુ વિધાનસભાના ગૃહને સમજી શક્યા નથી. આખરે એવા પ્રશ્નો પૂછી રહ્યાં છે જેને કારણે સરકાર ભરાઈ રહી છે. એટલે જ વિપક્ષની સંખ્યા ભલે ઓછી હોય પણ આ નેતાઓ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યાં છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ભાજપના ધારાસભ્યો એવા પ્રશ્ન પૂછી રહ્યાં છે કે ગૃહમાં બેઠેલા મંત્રીઓ માથે હાથ રાખે છે અરે... આ શું પૂછ્યું... ધારાસભ્યોના સામાન્ય જ્ઞાન વિશે શંકા ઉભી થઇ રહી છે.
વિધાનસભાના ગૃહમાં ધારાસભ્ય અનિકેત ઠાકરે તો એવો સવાલ પૂછ્યો હતો કે, જિલ્લામાં સ્વચ્છતા અભિયાન કમિટીના સભ્યો કોણ કોણ હોય છે ? તો વટવાના ધારાસભ્ય બાબુ જાદવે એવો સવાલ પૂછ્યો કે, અંત્યોદય કાર્ડ અને રેશનકાર્ડ કોને મળી શકે ? આ રેશનકાર્ડ મેળવવા માટેના ધારા ધોરણો શું હોય છે ? ભાજપે લાગે છે કે લેશન કરાવ્યું નથી અથવા આ લોકો સરકાર માટે મુશ્કેલીઓ ના વધે એ માટે સરળ પ્રશ્નો પૂછીને આ પ્રક્રિયામાંથી બાકાત રહી રહ્યાં છે. બાબુભાઈને પ્રદિપસિંહ જાડેજાએ ધારાસભ્ય તો બનાવી દીધા પણ લેશન આપવાનું ચૂકી ગયા છે.
અધ્યક્ષે તો અન્નપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને રેશનકાર્ડ કોને મળી શકે તે અંગેના નિયમોની એક પુસ્તિકા જ બધાય ધારાસભ્યોને આપવા ભલામણ કરી હતી. આટલું ઓછું હોય એમ રેશનકાર્ડ કોને મળી શકે? એ પ્રશ્નના જવાબમાં મંત્રી ભીખુ પરમારે રેશનકાર્ડના ધારાધોરણોને બદલે અમદાવાદ શહેરમાં કેટલાં રેશનકાર્ડ અપાયા છે તેની આંકડાકીય વિગતો આપવા માંડી હતી. આ જોઇ અન્ન પુરવઠા મંત્રી બાવળિયાએ મામલો સંભાળ્યો હતો અને ધારાસભ્યોના સવાલના જવાબ આપ્યા હતાં. મંત્રી ભીખુ પરમાર ગેગેફેંફેં થયા હતાં. છેલ્લે, રમણ વોરાએ પણ એવો પ્રશ્ન પૂછ્યો કે અધ્યક્ષે જ આ પ્રશ્ન ઉડાવી દીધો હતો.