દેશ માટે લડવા કચ્છમાં તૈયાર થઈ રહ્યા છે જાંબાજ જવાનો, નિવૃત્ત આર્મીમેનની એક પહેલ
- સરહદ પર દેશસેવા કર્યા બાદ જવાન યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે નિવૃત્ત આર્મીમેન
- ઉમેદસિંહ જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમા ફરજ બજાવી ચૂક્યા છે
- હાલ 60 જેટલા યુવાનોને ડિફેન્સમાં જોડાવા માટે આપી રહ્યા છે ટ્રેનિંગ
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :કહેવાય છે ને કે, દેશની સેવા કરવા માટે સેનામા ભરતી થતા જવાન હંમેશા દેશની સેવા માટે તત્પર રહેતા હોય છે. તે પછી સરહદ પર હોય કે નિવૃત્ત જીવન વિતાવતા હોય. આવુ જ એક ઉદાહરણ પુરુ પાડે એવા આપણી ભારતીય થલ સેનાના જવાન અને કચ્છના રાપર તાલુકાના છેવાડાના ગામ વેરસારાના વતની એવા ઉમેદસિંહ
હનુભા સોઢા.
2003માં ભારતીય સેનામા જોડાયા બાદ નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, આસામ બોર્ડર તથા જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમા ફરજ બજાવી ચૂક્યા છે. અરુણાચલ ખાતેની ફરજ દરમિયાન યુનાઇટેડ નેશન અંતર્ગત તેમની પસંદગી થઈ હતી. તેઓએ સાઉથ આફ્રીકાના સાઉથ સુડાન ખાતે પણ નોકરીના ભાગ રુપે ફરજ બજાવેલી છે. પરંતુ હવે તેઓ યુવા પેઢીને ડિફેન્સમાં જોડાવા ટ્રેનિંગ આપે છે.
આ પણ વાંચો : ગુજરાતનું ગૌરવ વધે તેવા સમાચાર : ગીરમાં સિંહોની વસતી વધી
યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે
પઠાણકોટ ખાતેથી 17 વર્ષ ફરજ પુર્ણ થતા તેઓ નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ બાદ હાલ ભૂજમા સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે ભૂજ ખાતે શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ અકેડેમીની સ્થાપના કરી. કચ્છના યુવાનો કે જેઓ ફિઝીકલ ફિટનેસ પરીક્ષામાં યોગ્ય માર્ગદર્શનના અભાવે ઉતિર્ણ થઇ શકતા નથી. તથા જે યુવાનોને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય તેવા ઉમેદવારોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે.
હાલ 60 જેટલા યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે
ઉમેદસિંહ સેનામાં હતા તે દરમિયાનના અનુભવો તથા ટ્રેનિંગ તેઓ નવયુવાનોને શીખવાડે છે. તેમના માર્ગદર્શનનો લાભ મેળવી ઘણા યુવાનો આર્મી તથા પોલીસ ભરતીમા જોડાઇ ચૂક્યા છે. હાલ તેમની પાસે 60 જેટલા યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે. યુવાનોને ઉત્સાહ મળે તે માટે તેમના દ્વારા શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ અકેડેમી દ્વારા ટી-શર્ટ ભેટ રુપે આપવામા આવ્યા હતા.
આ પણ વાંચો : એક્ટિંગના બહાને વડોદરાના ડિરેક્ટરે દિલ્હીની યુવતીને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું
દેશ સેવા માટે આગળ આવવું જોઈએ
આ ઉપરાંત ઉમેદસિંહ સોઢા દ્વારા બાળકોના વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે કે, છોકરો હોય કે છોકરી તેમને જો ડિફેન્સ (defence) માં જોડાવાની ઇચ્છા હોય તો તેમને જાતે જ તેમના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને આવી રીતે જે કોઈ ટ્રેનિંગ સેન્ટર કે એકડેમી ચાલતી હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન માટે મોકલવું જોઈએ.
જાણો શું કહ્યું તાલીમ લેનારે?
શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ અકેડેમીમાં તાલીમ લેતાં અજય ગઢવીએ જણાવ્યું હતું કે, અહીં યોગ્ય માર્ગદર્શન મળતાં મારી દોડની ક્ષમતામાં વધારો થયો છે. જેને કારણે હું યોગ્ય રીતે દોડી શકું છું અને મારો ગોલ એચિવ કરી રહ્યો છું. તો તાલીમ લઈ રહેલ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીં ટ્રેનિંગ લીધા બાદ મારી સ્કીલ ઈમપ્રુવ થઈ છે. પહેલાં હું કોન્સ્ટેબલ બનીશ અને ત્યાર બાદ આગળી પોસ્ટ માટે એપ્લાય કરીશ. મારાથી બનશે એટલી દેશની સેવા કરીશ.
આ પણ વાંચો : સુરતમાં કાપડ ઉદ્યોગ ખૂલ્યો તો ખરો, પણ કામ નથી, આમતેમ ભટકી રહ્યાં છે કારીગરો
અનેક લોકો દેશસેવામાં જોડાય - ઉદયસિંહ સોઢા
ઉદયસિંહ સોઢા કહે છે કે, અમે જ્યારે ભરતી થયાં હતાં ત્યારે તે સમયે કોઈ માર્ગદર્શન કે ટ્રેનિંગ આપવા માટે કોઈ ન હતું. માટે નિવૃત્ત થયા બાદ યુવાનોને ટ્રેનિંગ આપવા તથા માર્ગદર્શન આપી ડિફેન્સમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવા માટે આ એકેડેમી શરૂ કરી છે. સરહદી કચ્છ જિલ્લાના યુવાનો પણ મા ભોમની રક્ષા કાજે આગળ આવે તેમજ યુવતીઓ પણ દેશસેવા માટે જોડાય તેવી અપીલ તેમણે અનેક માતાપિતાને પણ કરી છે.