ગૌરવ દવે/રાજકોટ :ગુજરાત સરકારથી નારાજ પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાનો કથિય ઓડિયો વાયરલ થયો છે. કુંવરજી બાવળિયાનો પંચાયતના સભ્ય નીતાબેન સરવૈયાના પતિ ભવાનભાઈ સરવૈયાને ધમકી આપતો ઓડિયો હાલ ચર્ચા જગાવી રહ્યો છે. બંને વચ્ચે ગટરની લાઈનના નબળા કામ અંગે વાતચીત થઈ રહી હતી. ત્યારે ભવાનભાઈએ RTIની વાત કરતા કુંવરજી બાવળિયા લાલઘૂમ થયા હતા. તેમણે ભવાન સરવૈયાને ધમકી આપી હતી કે, પૈસા માંગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે. જાહેરમાં ચર્ચા કરવા માટે કુંવરજી બાવળિયાએ પડકાર પણ ફેંક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કથિત ઓડિયોમાંની વાતચીત
ભવાન સરવૈયાઃ સાહેબ દરબારોએ કંઇ કહ્યું નથી.
કુંવરજી બાવળિયાઃ જી


ભવાન સરવૈયાઃ મેં જ રિક્વેસ્ટ કરેલી છે.
કુંવરજી બાવળિયાઃ સાંભળો...ભવાનભાઈ ચંદ્રસિંહરાજ, ઉકાભાઈ, કુંડીવાળુ કરી ગયો એ ભાઈ આ બધાને બોલાવોને હું આવું, ગામ વચ્ચે ચોકમાં આપણે મિટિંગ રાખીએ.


ભવાન સરવૈયાઃ હું સાહેબ નહીં આવી શકું.
કુંવરજી બાવળિયાઃ કેમ શું કામ ન આવી શકો?



ભવાન સરવૈયાઃ હું નહીં આવી શકું.
કુંવરજી બાવળિયાઃ મિટિંગ હું રાખવાનો છું, સાંભળો તમે આવો ત્યાં હુ ખુલ્લા પાડી દેવાનો છું કે આ પાઇપલાઇન નથી નાખી એવી વાતો કરો છો પાછા.


ભવાન સરવૈયાઃ હું વાતો નથી કરતો
કુંવરજી બાવળિયાઃ બજાર વચ્ચે ભવાન હોય, ચંદ્રરાજસિંહ હોય, વસ્તાભાઈ હોય એકેયમાં આપણે શરમ નથી રાખવી હાલો.


ભવાન સરવૈયાઃ હા તો વાંધો નહીં, શરમ ન રાખવી હોય તો હું આવીશ.
કુંવરજી બાવળિયાઃ ના ના ચોકમાં જ મિટિંગ રાખવી છે, 43 લાખ રૂપિયાનું કામ મંજૂર કરાવ્યું હોય અને તમે બધા ભાગબટાઈની વાતો કરો છો. ફરિયાદ કરો કેમ કામ થાય છે. હું આ મિટિંગ ચોકમાં જ રાખવાનો છું.


ભવાન સરવૈયાઃ અઢી ફૂટની આપણે ગટગ કરવાની હતી, RTI કરવાનો છું.
કુંવરજી બાવળિયાઃ સાંભળો, બધાની વચ્ચે આપણે બધી વાત કરી લઇશું.


ભવાન સરવૈયાઃ બોલાવજો પછી પણ પહેલા હું RTI કરી નાખું.
કુંવરજી બાવળિયાઃ ના ના હવે કંઇ કરવું નથી.


ભવાન સરવૈયાઃ એ કુંવરજી કાકા, એવું નથી પોસાય તેવું.
કુંવરજી બાવળિયાઃ હું તારો કાકો નથી થાતો


ભવાન સરવૈયાઃ તો દાદા
કુંવરજી બાવળિયાઃ હા, બરાબર


ભવાન સરવૈયાઃ દાદા કાલે મારે એવું નથી થાય તેમ
કુંવરજી બાવળિયાઃ કાલે નહીં પરમદિવસે, હું બે-ત્રણ દિવસમાં જ આવવાનો છું.


ભવાન સરવૈયાઃ કાલે હું RTI કરવાનો છું
કુંવરજી બાવળિયાઃ તો ખાવાનો વારો આવે, પૈસા તમે માગો અને RTI કરો તો ખાવાનો વારો આવે, RTI કરો તોય કંઇ ન થઇ જાય.


ઉલ્લેખનીય છે કે, ભવાન સરવૈયાએ ગામના કરાયેલા ગટરલાઈન અને પાણીના કામકાજ અંગે સવાલો કર્યા હતા. તેમણે આ કામગીરી નબળી થઈ હોય તેવુ કુંવરજીને કહ્યુ હતું. જે મામલે કુંવરજી બાવળિયા ગુસ્સે ભરાયા હતા. બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ફોન પર જ બાવળિયાએ ભવાન સરવૈયાને ધમકી આપી હતી.