બિટકોઇન કેસઃ CID ક્રાઇમે ન માંગ્યા વધુ રિમાન્ડ, કોટડીયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
જ્યુડિશિયલ કસ્ટડીમાં જતા સમયે નલિન કોટડીયાએ કહ્યું કે, થોડી રાહ જુઓ.
અમદાવાદઃ રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન તોડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની 9 સપ્ટેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલંગાવ જિલ્લાના ધુળીયામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 10 સપ્ટેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે નલિન કોટડીયાને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સીઆઈડીએ આ વખતે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોટડિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ્યુડિશિયલ કસ્ટડીમાં જતા કોટડીયાએ કહ્યું કે, થોડી રાહ જુઓ.
શું છે સમગ્ર બિટકોઇન મામલો
આ કેસનું મૂળ સુરતના શૈલેષ ભટ્ટ સાથે જોડાયેલું છે. શૈલેષ ભટ્ટ સુરતમાં બાંધકામ સાથે બિટકોઇનનો વ્યાપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી સીબીઆઈનો ફોન આવ્યો અને આ કેસમાં ફરિયાદ ન નોંધવવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આ બિલ્ડરને એક હોટલમાં બોલાવીને 5 કરોડનો તોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગે ફરિયાદ થઈ તેમાં જણાવાયું કે, અપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મ હાઉસ લઈ ગયા અને તેને માર મારવામાં આવ્યો હતો. આ આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે પણ ધમકી આપીને રૂપિયા 12 કરોડના બિટકોઇન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. અનંત પટેલે વધારાના 50 કરોડની પણ માંગણી કરી હતી. ત્યારબાદ શૈલેષ ભટ્ટે આ અંગે ગૃહખાતામાં ફરિયાદ કરી હતી.