PM મોદી જે ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે એને પતંગનું સ્વરૂપ આપનારા વ્યક્તિને ઓળખો છો?
ઉત્તરાયણ અને પતંગ એ અમદાવાદ માટે એક વિશિષ્ટ તહેવાર અને શહેરની અનોખી ઓળખ પણ છે અને આ બ્રિજની પતંગ આધારિત ડિઝાઈન એ શહેરની સંસ્કૃતિ, તેની ઓળખ અને આ તહેવારના સંયોજનથી તૈયાર કરવામાં આવી છે.
ભ્રાંતિ ઠાકર,અમદાવાદ: 27 ઓગસ્ટે રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજ (ફૂટ ઓવર બ્રિજ)નું લોકાર્પણ કરશે અને કેટલાય સમયથી એ અટલ બ્રિજ પર મહાલવાની રાહ જોઈ રહેલા અમદાવાદીઓની આતુરતાનો અંત આવશે. આ બ્રિજનો આકાર અને દેખાવ પંતગની થીમ પર આધારિત છે અને બ્રિજની થીમને અનુરૂપ આર્ટ ઇન્સ્ટોલેશન્સ લગાવીને તેની સુંદરતામાં ઉમેરો કરનારા આર્કિટેક્ચર આર્ટિસ્ટને તમે ઓળખો છો? એ પણ એક અમદાવાદી જ છે. એમનું નામ છે ઉર્વી શેઠ, જે CEPT યુનિવર્સિટીના વર્કશોપ હેડ છે અને આ પ્રકારના સ્થાપત્યોની સુંદરતામાં ઉમેરો કરતાં સ્થાપત્ય કલાકાર છે.
ZEE 24 કલાક સાથેની વાતચીતમાં ઉર્વી શેઠે અટલ ફૂટ બ્રિજની ખાસિયતો અને તેમના આર્ટ ઇન્સ્ટોલેશન વિશે રસપ્રદ માહિતી આપી. તેમણે કહ્યું, “ઉત્તરાયણ અને પતંગ એ અમદાવાદ માટે એક વિશિષ્ટ તહેવાર અને શહેરની અનોખી ઓળખ પણ છે અને આ બ્રિજની પતંગ આધારિત ડિઝાઈન એ શહેરની સંસ્કૃતિ, તેની ઓળખ અને આ તહેવારના સંયોજનથી તૈયાર કરવામાં આવી છે.”
ઉર્વી દ્વારા તૈયાર કરવામાં આવેલું આર્ટ ઇન્સ્ટોલેશન 20 ફૂટ જેટલું ઊંચું છે અને બ્રિજની વચ્ચે છે. આ કલાકૃતિ પવનની દિશા મુજબ ફરતી રહે છે. તેમણે કહ્યું, “જે થાંભલા પર આ ઊભું કરવાનું હતું તે હલે નહીં અને સ્થિર રહે તે જોવું પણ અગત્યનું હતું. તેથી આ આર્ટને સ્થિરતા આપવા માટે પારદર્શક ટેકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.”
રસપ્રદ વાત એ છે કે અમદાવાદમાં થોડા દિવસો પહેલાં આવેલો મૂશળધાર વરસાદ આ કલાકૃતિની સ્થિરતા, મજબૂતીનું પરિક્ષણ કરવાની એક તક લઈને આવ્યો. આ કલાકૃતિ એ તોફાની પવન અને વાવાઝોડા સામે અડિખમ રહી.
ઉર્વીએ આ કલાકૃતિ ક્રાફ્ટ ક્વેસ્ટના આર્કિટેક્ટ તરૂણકુમાર અને ટીમના સભ્ય સિદ્ધાર્થ સક્સેના સાથે મળીને બનાવી છે. તેમણે કહ્યું, “અટલ ફૂટ ઓવર બ્રિજની આ ડિઝાઈનને EOLIC નામ અપાયું. જેનો અર્થ થાય છે 'પવન શક્તિ' (Wind Power). લગભગ 2 મહિનામાં આ ઈન્સ્ટોલેશન આર્ટ તૈયાર કરાયું. ”
આ ડિઝાઈન લગભગ 10 વર્ષ સુધી અડીખમ રીતે અટલ ફૂટ ઓવર બ્રિજની શોભા વધારશે. આ આર્ટ બનાવવામાં એન્જિનીયર્સની પણ મદદ લેવામાં આવી. તમામ વસ્તુઓ સ્ટીલમાંથી બનવાવામાં આવી છે અને જેમ તમે જોઈ શકો છો કે બ્રિજ ખુબ જ કલરફુલ છે તેથી આ ઈન્સ્ટોલેશન આર્ટમાં બ્લેક કલર, બ્રાસ અને કોપર થી મેટાલિક ફિનિશિંગ અપાયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદને એક નવી ભેટ આપવાના છે અને બ્રિજ પરની આ કલાકૃતિ PM મોદી માટે પણ એક સરપ્રાઇઝ હોઈ શકે છે એમ ઉર્વી શેઠે જણાવ્યું.