Fake Doctor: ગુજરાતમાં ફાટ્યો નકલી તબીબોનો રાફડો, દ્વારકામાંથી ઝડપાયો વધુ એક નકલી તબીબ
ગુજરાતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે. રોજે રોજ વિવિધ જિલ્લાઓમાંથી નકલી તબીબો ઝડપાય છે. દ્વારકામાંથી પણ એક નકલી તબીબ ઝડપાયો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં જીવલેણ વાયરસની બીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આવી સ્થિતિની વચ્ચે બે અલગ અલગ પ્રકારની માનસિકતાવાળા લોકોના ચહેરા સામે આવ્યાં. એક તરફ સંખ્યાબંધ લોકો અને તબીબો પણ દર્દીઓની સારવાર અને સેવામાં ખડેપગે કામ કરતા જોવા મળ્યાં. તો બીજી તરફ કેટલાંક લાલચૂ લોકો કોરોનાના કપરા કાળમાં પણ દવાઓની કાળાબજારી અને દર્દીઓ સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતા નજરે પડ્યાં. આવો જ એક કિસ્સો રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામે આવ્યો. જ્યાં એક નકલી તબીબે લોકો સાથે છેતરપિંડી કરી.
ગુજરાતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે. રોજે રોજ વિવિધ જિલ્લાઓમાંથી નકલી તબીબો ઝડપાય છે. દ્વારકામાંથી પણ એક નકલી તબીબ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના સલાયા બંદર પરથી બોગસ તબીબ ઝડપાયો છે. જિલ્લા LCBએ બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી રેડ કરી અને બોગસ ડીગ્રી વગરનો ડોક્ટર તેમજ 297 જેટલી દવાઓ અને મેડિકલના સાધનો સહિત 6.30 લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો. અને કાયદેસરની કાર્યવાહી કરી.
દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયા તાલુકાના સલાયા ગામે બજારમાં આવેલા મોતીયુવાલે જનરલ દવાખાનું એલોપથીક પ્રેક્ટિસ કરતા ડોકટર હમીદ ઈબ્રાહીમ સંધાર નામનો વ્યક્તિ પ્રેક્ટિસ કરતો હતો. જે ડિપ્લોમા યોગ અને નેચરોથેપિકની ડીગ્રી ધરાવે છે. પરંતુ તે એલોપથી કે ડોક્ટર બનીને દવા લોકોને આપતો હોવાની બાતમી જિલ્લા LCBને મળી હતી, જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી રેડ કરતા બોગસ ડીગ્રી ધરાવતો ડોકટર મેડિકલના સાધનો અને દવાઓ સાથે ઝડપાયો હતો.
MBBSની ડીગ્રી વગર એલોપથીક ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાથી મેડિકલ પ્રેકટીસને લગતા સાધન , ઈન્જેક્શન તેમજ જુદી જુદી એલોપેથીની 297 જાતની જંગી દવાઓ , સિરપ, નિડલ અને મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો મળી કુલ 6.28 લાખની રકમનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.