અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે શરૂ કરાયું પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ, મુસાફરોની મુશ્કેલી થશે ઓછી
- મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું
- 200 થી વધુ રિક્ષાચાલકો આ સર્વિસમાં જોડાયા, નવી સર્વિસથી રિક્ષાચાલકો સાથે મુસાફરો પણ ખુશખુશાલ
- સર્વિસમાં જોડાયેલા રિક્ષાચાલકોને એરપોર્ટ ઓથોરિટી તરફથી યુનિફોર્મ, સેફટી શૂઝ તથા તાલીમ અપાઈ
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ એરપોર્ટનું સંચાલન છેલ્લા એક વર્ષથી અદાણી ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે તાજેતરમાં જ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધીમાં 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા છે અને વધુ લોકો જોડાય તે માટેના ઓથોરિટી તરફથી પ્રયાસો ચાલુ છે.
અમદાવાદ એરપોર્ટનું સંચાલન શરૂ કરનારા અદાણી ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે મુસાફરોને લાવવા-લઈ જવા માટે પિક અપ પોઇન્ટ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કર્યા હતા. તેમ છતાં કેટલાક રિક્ષાચાલકો તેનું પાલન કરતા નહિ હોવાની સાથે અમુક લોકો આર.સી.બુક, લાયસન્સ પણ ધરાવતા નહિ હોવાની ફરિયાદો મળી હતી.
આ પણ વાંચો : CM કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ... હજારોના ટોળા વચ્ચે BJP નેતા ક્રિકેટ રમ્યા
તેને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ મુસાફરોની સલામતિ અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રિપેડ રીક્ષા સર્વિસ શરૂ કરી હતી. તેમાં જોડાવવા માટે રિક્ષાચાલકે એકપણ રૂપિયો આપવાનો ન હતો. પરંતુ તેમણે વેક્સીન સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન, રિક્ષાની આર.સી.બુક, ડ્રાયવરનું લાયસન્સ સહિતના જરૂરી સરકારી દસ્તાવેજો આપવાના હતા. તેની સામે ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિક અપ સ્ટેન્ડ ઉભું કર્યું હતું. એટલું જ નહીં તેમને યુનિફોર્મ, યોગ્ય તાલીમ, સેફ્ટી શૂઝ આપ્યા હતા.
નવી શરૂ કરાયેલી સર્વિસ પ્રમાણે પિક અપ સ્ટેન્ડ પર કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ત્યાં ક્રમવાઇઝ રિક્ષાચાલકોને મુસાફર આપવામાં આવે છે અને મુસાફરોએ નિયમ પ્રમાણેનું ભાડું કાઉન્ટર પર ઓનલાઈન કે અન્ય પદ્ધતિથી ચૂકવવાનું રહે છે. તેની સામે કાઉન્ટર પરથી મુસાફરને રસીદ આપવામાં આવે છે. તે રજૂ કરતા કાઉન્ટર પરથી રિક્ષાચાલકને રકમ ચૂકવી દેવામાં આવે છે. આ સર્વિસમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો જોડાયા છે.
આ પણ વાંચો : અત્યાર સુધીનો સૌથી ડરામણો સરવે, 5 જાન્યુ. બાદ ગુજરાતમાં રોજ 50 હજાર કેસ આવશે
શુ કહે છે એરપોર્ટ ઓથોરિટી ?
સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રિય વિમાની મથકના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે, પ્રવાસીઓની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. આ હેતુથી અમે ઓટોરીક્ષા ચાલકોને પોતાને પ્રિપેડ રીક્ષા સર્વિસ પ્રોવાઇડર તરીકે નામ નોંધણી કરાવવા અપીલ કરીએ છીએ.