Bodeli News : ખરેખર હવે તો હદ થાય છે. પહેલાં તો ગુજરાતમાં નકલી પીએમઓ અધિકારી, સીએમઓ અધિકારી, નકલી પોલીસ અને નકલી અધિકારીઓ જ ઝડપાતા હતા હવે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બોડેલી-નસવાડીરોડ પર મોડાસર ચોકડી પાસે પેટ્રોલપંપ પાછળ કાર્યપાલક ઇજનેર, સિંચાઇ પ્રોજેક્ટ, બોડેલી નામની બોગસ સરકારી કચેરી પકડાઈ છે. તમને નવાઈ લાગશે એક બોગસ સરકારી કચેરી ઘણા સમયથી ચાલી રહી હતી અને સરકારને આ મામલે ગંધ પણ આવી નથી.  આ બોગસ વહીવટદારની કચેરીમાં બે વર્ષથી દરખાસ્તો કરી ભ્રષ્ટાચારીઓએ રૃા.૪.૧૫ કરોડની ગ્રાન્ટ સરકારી કચેરીમાંથી મેળવી હોવાનો પર્દાફાશ થયો છે. આ  બોગસ સરકારી કચેરી દ્વારા પત્રવ્યવહાર, દરખાસ્તો પણ થતી હતી અને તેને મંજૂરી પણ મળી જતી હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં પોલીસે વડોદરાના બે શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. ખરેખર આ પ્રકરણમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાનું બહાર આવે તેવી પૂરી સંભાવના છે. એક આખી સરકારી કચેરી ચાલતી હોય અને સ્થાનિકમાં તંત્રને ખબર ના હોય એવી શકયતાઓ જ ઓછી છે. આદિવાસી જિલ્લામાં પકડાયેલી આ કચેરીને સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકલી PMO ઓફિસર, નકલી CMO ઓફિસર, નકલી પોલીસ, નકલી PSI, નકલી નેતા, નકલી કલેક્ટર, નકલી નાસા વૈજ્ઞાનિક, નકલી ઉદ્યોગપતિ, નકલી કોલ લેટર, નકલી NIA એજન્ટ, નકલી...આ નકલી શબ્દોએ ગુજરાતને નવી ઓળખ અપાવી છે.  હવે વાત કરીએ નકલી સરકારી ઓફિસની જેને તો હદ પાર કરી દીધી છે. છોટા ઉદેપુરમાં ગુનેગારોએ નકલી સરકારી ઓફિસ બનાવી ગુજરાત સરકાર પાસેથી સરકારી ગ્રાન્ટ મેળવી સરકારની 4 કરોડ 15 લાખની છેતરપિંડી કરી હતી.સિંચાઈ યોજના બોડેલીની ઓફિસ ત્યાં બનાવી હતી.


વિકાસશીલ ગુજરાતમાં ઝેર પીવુ પડે છે : એક લાચાર પિતાએ ઘરના 6 સભ્યોને દવા પીવડાવી ગળાફાંસો ખાધો


આદિવાસી જિલ્લામાં એક આખી બોગસ સરકારી કચેરી ધમધમતી હોવાનું બહાર આવતાં જ સરકારમાં હડકંપ મચી ગયો છે. નવનિયુક્ત આઇએએસ અધિકારી સચિનકુમારે કેટલીક દરખાસ્તો મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસમાં વર્ષ ૨૦૨૧-૨૨થી આજદિન સુધી લાખો રૃપિયાની કુલ છ દરખાસ્તો આવી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં હદ તો ત્યારે થઈ છે કે બોડેલી ખાતે કાર્યપાલક ઇજનેર, સિંચાઇ પ્રોજેક્ટ, બોડેલી નામની કચેરી બનાવી, આ કચેરીના અધિકારીના નામના ખોટા સહિ-સિક્કા બનાવી તેના આધારે ખોટી દરખાસ્તો રજૂ કરીને પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટો મેળવાઈ હતી. 



કેવી રીતે થયો મોટો ખુલાસો
થોડા સમય પહેલાં છોટાઉદેપુર ખાતે ડીનસેગ પ્રોજેક્ટ અંતર્ગત ઉદવહન સિંચાઇ યોજનાની મિટિંગ તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામી, સિંચાઇ પ્રોજેક્ટ ડીવીઝન-૨ના કાર્યપાલક ઇજનેર ધવલ કે. પટેલ, પ્રોજેક્ટ મેનેજર વિમલ ડામોર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં બોર્ડર વિલેજ યોજનાની ઉદવહન સિંચાઇ યોજનાના ૧૨ કામોની દરખાસ્તો આવી હતી. આ કામો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી જેમાં કાર્યપાલક ઇજનેર સિંચાઇ પ્રોજેક્ટ ડીવીઝન-૨ને પૂછતાં આ અંગે કોઇ દરખાસ્ત તેમની કચેરી દ્વારા મોકલવામાં આવી નથી અને તેની કોઇ કચેરી પણ બોડેલી ખાતે નથી તેમ જણાવ્યું હતું. આ બાદ સરકારી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. 


પાટીલનો વિપક્ષ પર પ્રહાર : સરદાર પટેલને તેમના હકની પ્રશંસા કેમ ન મળી?


આ અંગે જૂનિયર ક્લાર્ક જાવિદ ઇબ્રાહિમ માકણોજીયાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંદિપ રમેશભાઇ રાજપૂત (રહે.ન્યાશા સ્કાયદલ, છાણી તળાવની સામે, વડોદરા) અને અબુબકર જાકીરઅલી સૈયદ (રહે.મુદ્દા કોમ્પ્લેક્સ, ઇલોરાપાર્ક)ની ધરપકડ કરી છે. આ કેસમાં મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવના છે. એક તાલુકામાં એક સરકારી કચેરી બોગસ ચાલી રહી હોય અને સરકાર સુધી કે કલેક્ટર ઓફિસ સુધી ગંધ ન આવે તેવી સંભાવના જ ઓછી છે. સરકારે કયા નિયમો અનુસાર 4.15 કરોડની ગ્રાન્ટ ફાળવી અને આ પ્રકરણમાં ક્રોસ ચેક કેમ ન થયું એ સૌથી મોટો સવાલ છે. 


સરકારી કચેરીમાં મોટાભાગનો વહીવટ એ કાગળ પર થાય છે. તો આ ગ્રાન્ટ પાસ થઈ એ બાબતે આજદીન સુધી કેમ ધ્યાન ન ગયું એ સૌથી મોટો સવાલ છે. ગુજરાત સરકાર માટે આ ઘટના શરમજનક છે. આ બોગસ સરકારી કચેરી દ્વારા  બે વર્ષમાં કુલ ૯૩ કામોના ૨૨ ચેકોથી અલગ અલગ તારીખોમાં કુલ રૃા.૪.૧૫ કરોડની સરકારી ગ્રાન્ટ મેળવી લેવાઈ હતી. હવે આ પ્રકરણમાં તપાસ ચાલુ થઈ છે પણ છેડાં ગાંધીનગર સુધી પહોંચે તો પણ નવાઈ નહીં.


બ્રેકિંગ ન્યૂઝ : સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ એકસાથે આત્મહત્યા કરી