ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારીમાં જ્યાં લગભગ મોટાભાગના લોકો આ ભયાવહ ત્રાસદીના સમયમાંથી પસાર થઈ રહ્યાં છે, ત્યાં કેટલાક લોકો મોટા અપરાધ કરી રહ્યાં છે. ગુજરાતમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir) મોટી સંખ્યામાં જપ્ત કરાયા છે. નકલી ઈન્જેક્શન અમદાવાદ, આણંદ અને વડોદરા તથા સુરત વેચવામાં આવ્યા છે. નકલી ઈન્જેક્શનોને કાળાબજારી કરીને વેચવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંહે કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીમાં સામેલ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 1200 નકલી રેમડેસિવિર જપ્ત કર્યાં છે. આ ટોળકીએ અમદાવાદમાં આવા 700 અને આણંદ અને વડોદરામાં 460 ઈન્જેક્શન વેચ્યા છે. 


અમદાવાદ ક્રાઇમ બાન્ચે બે દિવસ પહેલા નકલી રેમડીવીસીર ઈન્જેક્શનનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ સાથે જ 8 વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, અમદાવાદ અને વડોદરા સિવાય અન્ય શહેરો સુધી રેમડેસિવિર ઈન્જેક્શનનું નેટવર્ક ફેલાયેલું છે. નકલી ઈન્જેક્શન બનાવીને લોકોને ઉંચી કિંમતે વેંચતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલના રૂમમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનની હેરાફેરી થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા, સાબરમતી, પાલડી અને વડોદરાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાથે જ 300 થી વધુ નકલી ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. 



તો બીજી તરફ, રેમડેસિવિર ઈન્જેક્શનનું વધુ એક કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું હતું. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી. મિલન સવસવિયા નામનો કર્મચારી રેમડેસિવિર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. તો હાર્દિક વસાણી અને દેવલ કસવાળા સાથે મળીને રેમડેસિવિર ઈન્જેક્શન શીશીમાં બનાવતો હતો. ઊંચા ભાવે રેમડેસિવિર વેચવા માટે તેઓએ આ કાવતરું રચ્યું હતું. એસઓજીએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં રેડ કરીને 24 ઈન્જેક્શન જપ્ત કર્યા હતા. સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરની રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું કૌભાંડ ઝડપાયું હતું.


આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ ઈન્જેક્શનની કાળાબજારી કરતા રેકેટ પકડાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને નવું જીવન પ્રદાન કરતા રેમડેસીવેર (Remdesivir Injection) ની અછત સર્જાઈ છે. દર્દીના સ્વજનો ઈન્જેકશન (Remdesivir Injection) માટે આમતેમ ભટકી મોં માંગી કિંમત આપવા તૈયાર હોવા છતાં ઈન્જેકશન મળી રહ્યા નથી. ત્યાં બીજી તરફ આવા કૌભાંડીઓ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરે છે.