• પાર-તાપી લીંક યોજનાનો વિરોધ ગાંધીનગર પહોંચ્યો, હજારોની સંખ્યામાં આદિવાસીઓ વિરોધ કરવા પહોંચ્યા

  • કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોની આગેવાનીમાં આદિવાસી અધિકાર સંમેલનનું આયોજન

  • આદિવાસી વિસ્તારને અન્યાય સામે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન


હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમાં આજે વિરોધનો માહોલ જોવા મળ્યો છે. એક તરફ પાર-તાપી લીંક યોજનાનો વિરોધ ગાંધીનગર પહોંચ્યો. તો બીજી તરફ, પૂરતી વીજળી ન મળતા ખેડૂતો આક્રમક મોડમાં આવીને ગાંધીનગર પહોંચ્યા છે. હાલ આખુ ગાંધીનગર લશ્કરી છાવણીમા ફેરવાઈ ગયુ છે. એક તરફ આદિવાસીઓ અને બીજી તરફ ખેડૂતોનો વિરોધ આક્રમક બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિવાસીઓ આક્રમક મોડમાં
દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જેનો વિરોધ સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ વિરોધ આજે ગાંધીનગર પહોંચ્યો છે. હજારોની સંખ્યામાં આદિવાસીઓનું ટોળુ ગાંધીનગર પહોંચ્યુ છે. તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદીવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવા એકઠા થયા છે. ગાંધીનગરમાં કોંગ્રેસનું આદિવાસી સત્યાગ્રહ સવારથી ચાલી રહ્યો છે. સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજના અધિકારી માટે સંમેલન યોજાયુ છે. તાપી-વ્યારાથી શરૂ થયેલી લડત હવે ગાંધીનગર પહોંચી છે. તાપી પાર યોજનાના વિરોધ હેઠળ કોંગ્રેસ આદિવાસીઓને એકત્રિત કરી રહ્યું છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો સહિતના નેતાઓ આ સત્યાગ્રહમાં જોડાયા છે. જેમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા. આદિવાસીઓના વિરોધને પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આદિવાસી વિરોધી નીતિઓ અંગે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા કે, વિકાસકાર્યો માટે પોતાની જમીન ના આપવા આદિવાસીઓ મક્કમ છે. 


વીજળી ન મળતા ખેડૂતોનું આંદોલન
બીજી તરફ, વીજળી મુદ્દે રાજ્યના ખેડૂતો આક્રમક મૂડમાં આવી ગયા છે. ગાંધીનગરમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢી ખેડૂતોએ પૂરતી વીજળી મળતી ન હોવા અંગે નારાજગી દર્શાવી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી કાઢવામાં આવી છે. જેમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં વિરોધ કરાયુ છે. 8 કલાકની જગ્યાએ માત્ર 6 કલાક વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી છે. જેથી ટ્રેક્ટર લઈને ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે. પેથાપુર UGVCL કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. જેથી કચેરી બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.


વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાનુ ગૃહમાં નિવેદન આપ્યુ કે, તાપી લિંક યોજનાના લોકો સભામાં આવીને બેઠા છે. સરકાર આમા શુ કરવા માગે છે. સરકારે 500 કરોડની જોગવાઈ કરી છે. સરકાર ચેકડેમ બનાવવાની વાત કરે છે તો તેમાં કેટલો ખર્ચ થશે. અમને તો તમારાંમા ભરોસો નથી. આદિવાસીઓને ડુબાડી સ્થળાંતર કરવાનુ હોય તો ચલાવી નહિ લેવાય. તમે ડેમ બનાવશો તો એના પાયામાં અમારુ શરીર અને ઘડ હશે. તાર મંત્રીઓ છે અહિયા એ જઈને કહે છે કે યોજના થવાની નથી. તો તમે શ્વેત પત્ર બહાર પાડો અને કેબિનેટમા નિર્ણય કરો અને કેંદ્રને જાણ કરો. 


કોંગ્રેસના આદિવાસી આંદોલન પર રાજકીય વાકયુદ્ધ શરૂ થયું. આદિજાતિ મંત્રી નરેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસ ચૂંટણીલક્ષી આંદોલન કરે છે. આદિવાસીઓના અધિકાર માટે અમે કટિબદ્ધ છીએ. તાપી પાર લિંક યોજનાની અલવારી નથી કરવાના. કોંગ્રેસ આક્ષેપ કરતા પહેલાં પોતાના ભૂતકાળમાં નજર કરે. અમે કોઈની જમીન છીનવીને પ્રોજેકટ નથી બનાવવાના. લોકો નક્કી કરશે ત્યાં જ ચેકડેમો બનશે જેનાથી કોઈને નુકસાન નહીં થાય. 


આવતીકાલે અમિત શાહ ગુજરાતમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તેઓ આજે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. આવતીકાલે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આવતીકાલે સવારે 9.30 વાગ્યે અમદાવાદમાં સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવશે. કલોલના મોટી ભોંયણ ગામે સવારે સાડા 10 વાગ્યે અમિત શાહના હસ્તે કેન્સરની વહેલી તપાસ-નિદાન માટેના તાલિમ કાર્યકર્મનો શુભારંભ થશે. આંગણવાડીની બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસની તાલિમ અપાશે. આ સાથે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે.  કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે સાંજે અમદાવાદમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ થશે અને જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જે બાદ અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે.