સુરત: વેપારીએ પત્ની અને દીકરા સાથે 12મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
સુરતમાં પરિવારની સામુહિક આત્મહત્યાની ચોંકાવનારી ઘટના બની છે
સુરત : સુરતમાં પરિવારની સામુહિક આત્મહત્યાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં વિજય વઘાસિયા નામના ટેક્સટાઈલના વેપારીએ પત્ની અને દીકરા સાથે મજેસ્ટિકા હાઇટ્સ નામની બિલ્ડિંગના 12મા માળ પરથી છલાંગ લગાવી દીધી છે. આ ઘટનામાં ત્રણેયના મોત નીપજ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિજય વઘાસિયા નામના આ વેપારીએ આર્થિક સંકડામણથી કંટાળી જઈને આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાસ્થળ પર જ મોત
મળતી માહિતી પ્રમાણે વિજય વઘાસિયા પોતાના પત્ની અને દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. તેઓ એક મહિના પહેલાં જ સરથાણા ખાતે આવેલી બિલ્ડિંગમાં શિફ્ટ થયા હતા. તેઓ રેડિમેડ કપડાનો શોરુમ ધરાવતા હતા અને સહકારી મંડળીના ચેરમેન પણ હતા.
એકાએક નિર્ણય?
પોલીસ સૂત્રોના હવાલેથી હાલ મળતી માહિતી અનુસાર, વિજયભાઈ આજે સવારે છ વાગ્યે મોર્નિંગ વોક કરીને આવ્યા હતા. તેઓ વહેલી સવારે જ પોતાની પત્ની અને એકના એક દીકરા સાથે ફ્લેટના ધાબે પહોચ્યા હતા અને આત્મહત્યા કરી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ આજે પરિવાર સાથે નવ વાગ્યાની ટ્રેનમાં મુંબઈ જવાના હતા, અને તેના માટે તેમણે ટિકિટો પણ બુક કરાવી રાખી હતી. આના કારણએ લાગે છે કે તેમણે એકાએક આત્મહત્યાનો નિર્ણય લીધો હશે.