15 જિલ્લામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ, 42 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાનીની સરકારની કબુલાત
ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાનનીના સર્વેની કામગીરી પુર જોશમાં હાથ ધરવામાં આવી છે. કયા જિલ્લાઓમાં કેટલું નુકસાન થયું છે તેનો સર્વે થયા બાદ સરકાર ખેડૂતોને સહાય ચુકવશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુંકે, રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતી પાકમાં થયેલા નુકશાનના સર્વે માટે 565 ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. 15 જિલ્લાના 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ; વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.
42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી.
બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. પાક નુકશાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.
પ્રવક્તા મંત્રીએ સર્વેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ 15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં, ખેતીપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે. સર્વેની વિગતો અનુસાર 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર 11,315 હેક્ટર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 4-3-2023 થી 24-3-2023 સુધીમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મીલીમીટરથી 47 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાંના 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો.