Monsoon: રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી, પાક નિષ્ફળ જવાનો ભય, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
રાજ્યમાં અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વાવણી કર્યા બાદ વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસમાં સારો વરસાદ થઈ શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં હજુ અનેક જગ્યાએ સારો વરસાદ થયો નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ચોમાસાની સીઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ન થતાં ગુજરાતના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે વરસાદ નહીં આવે તો ખેડૂતોને પાકમાં નુકસાન જવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે. ખેડૂતોએ વાવણી કરી લીધી હતી પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં હવે પાક સુકાવા લાગ્યો છે. જગતનો તાત વરસાદની રાહ જોઈ રહ્યો છે.
અષાઢ મહિનામાં વરસાદ થયો નહીં
ગુજરાતના અનેક જિલ્લામાં ખેડૂતોએ પહેલા સારો વરસાદ થયો ત્યારે વાવણી કરી લીધી હતી. પરંતુ ત્યારબાદ અષાઢ મહિનામાં વરસાદની આશા હતી, પરંતુ હવે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હજુ વરસાદ થયો નથી. ખેડૂતો પાકની ચિંતામાં મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 32.80 ટકા વરસાદ થયો છે. ખેડૂતોની માથે સંકટના વાદળો છવાયા છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડે ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું, આ રીતે કરો ચેક
ખેડૂતો જોઈ રહ્યાં છે વરસાદની રાહ
ખેડૂતો પાસે પોતાના પાકને બચાવવા માટે વરસાદ એકમાત્ર સહારો છે. અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પહેલા અષાઢ મહિનામાં સારા વરસાદની આશા હતી પરંતુ શ્રાવણ મહિનો પણ શરૂ થયો અને હજુ સુધી વરસાદ થયો નથી. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર સહિત અનેર જિલ્લામાં ઓછો વરસાદ થયો છે. જો હજુ થોડા દિવસ વરસાદ નહીં આવે તો ખેડૂતોની સ્થિતિ વધુ મુશ્કેલ બનવાની છે.
હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે લાંબા અંતર બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદ પડવાની શક્યતા નકારી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube